Get News Alerts

Never miss breaking news updates.

સુરતના ટીંબરવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું વૃક્ષારોપણ, 1675 ફળાઉ અને ઔષધિય વૃક્ષોનું વાવેતર

સુરત: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે બારડોલી તાલુકાના ટીંબરવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત...
R Gajjar
R GajjarUpdated on: 24 Aug 2026 09:40 PM IST
સુરતના ટીંબરવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું વૃક્ષારોપણ, 1675 ફળાઉ અને ઔષધિય વૃક્ષોનું વાવેતરસુરતના ટીંબરવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું વૃક્ષારોપણ, 1675 ફળાઉ અને ઔષધિય વૃક્ષોનું વાવેતર

Acharya Devvrat Surat Visit

સુરત: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે બારડોલી તાલુકાના ટીંબરવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલશ્રીના ગામ આગમન સમયે ગ્રામજનો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામજનોના સહયોગથી 1,675 જેટલા ફળાઉ અને ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

‘માત્ર વૃક્ષ વાવો નહીં, તેનું જતન પણ કરો’

વૃક્ષારોપણ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મૂરઝાવું કે મરવું ન જોઈએ. વૃક્ષો માત્ર મનુષ્યોને જ નહીં, પરંતુ અસંખ્ય જીવોને જીવન આપે છે. તેમણે કહ્યું કે વૃક્ષોથી ઓક્સિજન, ફળ-ફૂલ, ઔષધિઓ ઉપરાંત પક્ષીઓ માટે આશ્રય મળે છે. માનવજીવન પૂર્ણ થયા બાદ પણ વૃક્ષો સમાજ માટે ઉપયોગી રહે છે. તેથી વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું પુણ્ય કાર્ય છે. રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને પરિવારના કોઈ સભ્યના જન્મદિવસ અથવા અન્ય આનંદના પ્રસંગે વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી. સાથે જ માત્ર વૃક્ષ વાવી દેવાને બદલે તેની નિયમિત સારસંભાળ અને જતન કરવા પણ અનુરોધ કર્યો હતો.

‘વૃક્ષને માત્ર ત્રણ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓને સાચવશે’

રાજ્યપાલશ્રીએ પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “વૃક્ષને માત્ર ત્રણ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓને સાચવશે.” તેમણે વધુમાં જણાવ્યું કે ભોજન અને પાણી વિના થોડો સમય રહી શકાય છે, પરંતુ ઓક્સિજન વિના ક્ષણભર પણ જીવન શક્ય નથી. તેથી સૌએ પ્રકૃતિના રક્ષક બની વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વૃક્ષ જેવા પરોપકારી ગુણો કેળવવા જોઈએ.

રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે સફાઈ અભિયાનમાં શ્રમદાન કર્યું

ટીંબરવા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રને સાર્થક કરતાં જાતે હાથમાં ઝાડુ લઈને ગ્રામજનો સાથે ગામની શેરીઓમાં સફાઈ કરી હતી. આ પ્રસંગે તેમણે ગામના સ્વચ્છતા કર્મચારીઓને સન્માનિત પણ કર્યા હતા. ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે ત્યારે જ સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. તેમણે સ્વચ્છતાને દૈનિક જીવનશૈલીનો હિસ્સો બનાવવા અનુરોધ કરતાં કહ્યું કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં આરોગ્ય, પ્રસન્નતા અને સમૃદ્ધિનો વાસ હોય છે.

મોટી સંખ્યામાં અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક શ્રી ધીરજ કુમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક શ્રી એન.જી. ગામીત, પ્રાંત અધિકારી સુશ્રી આર.જે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીષ ગામીત સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ટીંબરવા ગામમાં યોજાયેલા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન દ્વારા રાજ્યપાલશ્રીએ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાને લઈને ગ્રામજનોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com