Surat : શેરચેટ રીલ્સના નામે રૂ.26.12 લાખની છેતરપિંડી, સેલવાસથી આરોપી ઝડપાયો

Surat માં શેરચેટ રીલ્સ અને ટાસ્ક ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
Vivek Shah
Vivek Shah
SuratSurat

Surat

Surat : ટેલિગ્રામ પર રીલ્સ જોવાના નામે શરૂઆતમાં નાની રકમના ક્રેડિટ આપીને વિશ્વાસ કેળવ્યા બાદ ફેક વેબસાઇટ મારફતે રોકાણ કરાવી કુલ 26.12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસે સેલવાસમાંથી 20 વર્ષીય આદિત્ય શિવશંકર પાંડેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી

સાયબર ઠગોએ ટેલિગ્રામ મારફતે રીલ્સ જોવાના ટાસ્કની ઓફર આપી હતી. શરૂઆતમાં રીલ્સના વ્યૂઝના નામે 150 ક્રેડિટ આપીને સામેની વ્યક્તિનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ કમાણી કરવાની લાલચ આપી એક ફેક વેબસાઇટની લિંક મોકલવામાં આવી હતી.

આ વેબસાઇટ પર ટાસ્ક અને ઇન્વેસ્ટમેન્ટના નામે અલગ-અલગ રકમ જમા કરાવવામાં આવી હતી. સમય જતાં રોકાણની રકમ વધારવામાં આવી અને વધુ કમાણી તથા નફાની લાલચ આપવામાં આવી હતી. જોકે, બાદમાં રકમ પરત મેળવવામાં મુશ્કેલી ઉભી થતાં સમગ્ર મામલો સાયબર છેતરપિંડીનો હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી.

અન્ય કોની સાથે છેતરપિંડી કરી તેને લઈ તપાસ ચાલુ છે

તપાસ દરમિયાન પોલીસને આદિત્ય પાંડેની ભૂમિકા સામે આવી હતી. આરોપી પોતાના HDFC બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં મેળવતો હતો અને આ રકમમાંથી 3 ટકા કમિશન પોતાની પાસે રાખી બાકીના નાણાં મુખ્ય આરોપીને ટ્રાન્સફર કરતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આરોપીના બેંક એકાઉન્ટમાંથી 3.51 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.

એટલું જ નહીં, NCCRP પોર્ટલ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન અન્ય રાજ્યોની ચાર ફરિયાદોમાં પણ આ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા 1.67 કરોડ રૂપિયાથી વધુના ફ્રોડની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના બેંક એકાઉન્ટ, નાણાકીય વ્યવહારો અને મુખ્ય આરોપી સાથેના સંપર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર સાયબર ફ્રોડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને વધુ કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તે અંગે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

આ પણ વાંચો : Amreli માં કરુણાંતિકા, તળાવમાં ડૂબતાં 2 સગા ભાઈના મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢયો