Statue of Unity ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં જોડાશે 22 રાજ્યોના 200 NCC કેડેટ્સ, અમદાવાદમાં તાલીમ શરૂ



Statue of Unity
Statue of Unity ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં જોડાશે 22 રાજ્યોના 200 NCC કેડેટ્સ, અમદાવાદમાં તાલીમ શરૂ



Statue of Unity
Statue of Unity: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે યોજાનારી પરેડમાં ભાગ લેવા માટે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના કેડેટ્સે અમદાવાદમાં તાલીમ શરૂ કરી છે. ગુજરાત સહિત દેશનાં 22 રાજ્યોના આશરે 200 NCC કેડેટ્સ આ વિશેષ કાર્યક્રમ માટે તૈયારી કરી રહ્યા છે.
BSF, CISF અને SSB સાથે કેડેટ્સની સંયુક્ત કવાયત
NCC નિદેશાલય, ગુજરાતના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં કેડેટ્સની સંકલિત તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમ દરમિયાન કેડેટ્સ BSF, CISF, SSB તથા અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટુકડીઓ સાથે કદમતાલ મિલાવીને પરેડની કવાયત કરી રહ્યા છે.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ કેડેટ્સને શિસ્તબદ્ધ પરેડ માટે તૈયાર કરવાનો અને વિવિધ સુરક્ષા દળો સાથે તાલમેલ સાધવાનો છે. 10 દિવસની સંકલિત તાલીમ પૂર્ણ કર્યા બાદ કેડેટ્સ 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
SNIC દ્વારા રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન
સ્પેશિયલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ (SNIC)ના માધ્યમથી વિવિધ રાજ્યોના કેડેટ્સને એકબીજાની સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને સમજવાની તક મળશે. આ કાર્યક્રમમાં કેડેટ્સ વચ્ચે મિત્રતા, પારસ્પરિક સમજણ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનો એકસાથે તાલીમ લઈને દેશની વિવિધતામાં એકતાનો સંદેશ આપશે.
સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના રાજકીય એકીકરણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવા માટે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
NCC દ્વારા આ આયોજનના માધ્યમથી યુવાનોમાં દેશપ્રેમ, શિસ્ત, જવાબદારી અને રાષ્ટ્ર પ્રથમની ભાવના વિકસાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ‘હર કામ દેશના નામ’ના સંકલ્પ સાથે કેડેટ્સ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ માટે ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો : Surat LCB Raid: પલસાણાના અવધ સાંગ્રીલામાં જુગારધામ ઝડપાયું, ₹56.20 લાખનો મુદ્દામાલ જપ્ત






