Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, ‘સ્કિન કેર જેલ’ના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Rajkot Liquor Parcel Racket: ગુજરાતમાં પાર્સલ મારફતે દારૂ મોકલવાના પ્રયાસો વચ્ચે રાજકોટમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ટેક્નોલોજી અને નવી રીતનો ઉપયોગ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેર PCB...
R Gajjar
R GajjarUpdated on: 28 Aug 2026 03:08 PM IST
રાજકોટમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, ‘સ્કિન કેર જેલ’ના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયોરાજકોટમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, ‘સ્કિન કેર જેલ’ના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Rajkot Liquor Parcel Racket

Rajkot Liquor Parcel Racket: ગુજરાતમાં પાર્સલ મારફતે દારૂ મોકલવાના પ્રયાસો વચ્ચે રાજકોટમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ટેક્નોલોજી અને નવી રીતનો ઉપયોગ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેર PCB ટીમે ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે આવેલી શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી પાર્સલ મારફતે મોકલવામાં આવેલો રૂ.2.65 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ખાસ વાત એ છે કે દારૂના નાના-નાના ‘ચપલા’ પતરાના ડબ્બામાં ભરીને મશીનથી સીલ કરવામાં આવ્યા હતા અને ડબ્બાની અંદર લાકડાનું ભૂસું ભરવામાં આવ્યું હતું.

‘ફેસ પેક સ્કીન કેર જેલ’ના નામે મોકલાયું પાર્સલ

રાજકોટ શહેર PCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે ઢેબર રોડ પર આવેલી શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં પાર્સલ મારફતે વિદેશી દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે ટ્રાન્સપોર્ટ એજન્સી પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પાર્સલ અંગે પૂછપરછ કરતાં તેના બિલમાં ‘ફેસ પેક સ્કીન કેર પ્રિપરેશન જેલ’ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, પોલીસને પાર્સલની અંદર દારૂ હોવાની શંકા જતાં તેની ચકાસણી કરવામાં આવી હતી.

પતરાના ડબ્બામાં છુપાવ્યો હતો દારૂ

પોલીસે પાર્સલનું બોક્સ ખોલતાં તેની અંદર પતરાના 12 ડબ્બા મળી આવ્યા હતા. ડબ્બાઓને હલાવતા અંદર કંઈક શંકાસ્પદ હોવાનો અહેસાસ થતાં પોલીસે એક ડબ્બો તોડીને તપાસ કરી હતી. ડબ્બો ખોલતાં તેની અંદરથી વિદેશી દારૂના નાના ‘ચપલા’ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ‘ફેસ પેક સ્કીન કેર પ્રિપરેશન જેલ’ના નામે આવેલા તમામ પાર્સલ બોક્સને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તપાસ શરૂ કરી હતી.

924 નંગ ચપલા સાથે રૂ.2.65 લાખનો મુદ્દામાલ જપ્ત

તમામ પાર્સલની તપાસ દરમિયાન પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. PCB ટીમે કુલ 924 નંગ વિદેશી દારૂના ચપલા જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે રૂ.2.65 લાખ હોવાનું સામે આવ્યું છે. દારૂને પતરાના ડબ્બામાં પેક કરીને મશીનથી સીલ કરવામાં આવ્યો હતો અને વચ્ચે લાકડાનું ભૂસું ભરવામાં આવ્યું હતું, જેથી પાર્સલની તપાસ દરમિયાન દારૂ હોવાની શંકા ન જાય.

એક-એક ડબ્બો ખોલવામાં પોલીસને કલાકો લાગ્યા

બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા અપનાવવામાં આવેલી આ નવી રીત જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક-એક ડબ્બો ખોલીને તેની અંદરથી દારૂ બહાર કાઢવામાં પોલીસ ટીમને કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પ્રાથમિક તપાસમાં બોગસ બિલ બનાવી કોસ્મેટિક પ્રોડક્ટના નામે દારૂ પાર્સલ મારફતે રાજકોટમાં મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સપ્લાયર અને રિસીવરની શોધખોળ શરૂ

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને પાર્સલ મોકલનાર સપ્લાયર અને જથ્થો રિસીવ કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. દારૂ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, કોના મારફતે રાજકોટ પહોંચાડવામાં આવ્યો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. રાજકોટ PCBની આ કાર્યવાહીએ દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]