Get News Alerts

Never miss breaking news updates.

Rajkot Disease Outbreak: રાજકોટમાં ફરી રોગચાળાનો વધતો કહેર, શરદી-ઉધરસ અને તાવના કેસોમાં ઉછાળો

Rajkot Disease Outbreak: રાજકોટ શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગત સપ્તાહ દરમિયાન નોંધાયેલા રોગચાળાના આંકડા સામે આવ્યા છે, જેમાં શરદી-ઉધરસ અને સામાન્ય તાવના કેસોમાં મોટો વધારો નોંધાયો છે....
R Gajjar
R GajjarUpdated on: 31 Aug 2026 02:23 PM IST
Rajkot Disease Outbreak: રાજકોટમાં ફરી રોગચાળાનો વધતો કહેર, શરદી-ઉધરસ અને તાવના કેસોમાં ઉછાળોRajkot Disease Outbreak: રાજકોટમાં ફરી રોગચાળાનો વધતો કહેર, શરદી-ઉધરસ અને તાવના કેસોમાં ઉછાળો

Rajkot Disease Outbreak

Rajkot Disease Outbreak: રાજકોટ શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગત સપ્તાહ દરમિયાન નોંધાયેલા રોગચાળાના આંકડા સામે આવ્યા છે, જેમાં શરદી-ઉધરસ અને સામાન્ય તાવના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સઘન સર્વેક્ષણ અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કામગીરી તેજ કરવામાં આવી છે.

શરદી-ઉધરસના 668, તાવના 664 કેસ

ગત સપ્તાહના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજકોટ શહેરમાં શરદી-ઉધરસના 668 કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 664 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ઝાડા-ઊલટીના 190 કેસ અને ટાઇફોઇડના 2 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુનો પણ 1 કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

મલેરિયા અને ચિકનગુનિયાથી રાહત

શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જોકે, ગત સપ્તાહના આંકડા મુજબ મલેરિયા, ચિકનગુનિયા, કમળો અને કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે વિવિધ વિસ્તારોમાં સર્વેક્ષણ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

89 હજાર ઘરોમાં આરોગ્ય ટીમોનું સર્વેક્ષણ

રાજકોટ શહેરમાં આરોગ્ય ટીમો દ્વારા મોટા પાયે સઘન સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે 89,000 ઘરોમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ દરમિયાન 564 ઘરોમાં મચ્છરોના પોઝિટિવ પોરા મળી આવ્યા હતા. મચ્છરના પોરા મળી આવેલા સ્થળોને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ 381 પ્રિમાઇસીસને નોટિસ પાઠવવામાં આવી છે.

2,340 સ્થળે પાણીના ક્લોરિન ટેસ્ટ

પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાણીની ગુણવત્તા ચકાસવા માટે શહેરમાં 2,340 સ્થળોએ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કામગીરીનો હેતુ પાણીજન્ય રોગચાળાને અટકાવવાનો અને નાગરિકોને શુદ્ધ તથા સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

તાવ હોય તો જાતે દવા ન લેવા અપીલ

આરોગ્ય અધિકારીઓ દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને શરીરમાં પાણી અને પ્રવાહીનું પ્રમાણ પૂરતું જાળવી રાખવા સલાહ આપવામાં આવી છે. જો તાવ સતત રહેતો હોય અથવા તબિયતમાં સુધારો ન થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા જણાવાયું છે. સાથે જ જાતે દવા ન લેવા માટે પણ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં રોગચાળાના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સતત સર્વેલન્સ અને મચ્છર નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રોગચાળાની સ્થિતિ પર આરોગ્ય વિભાગની નજર રહેશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]