Rajkot Breaking: ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! જામનગરથી લઈને રિફાઇનરી-પોર્ટ સુધી હુમલાની ધમકી



Rajkot Breaking
Rajkot Breaking: ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! જામનગરથી લઈને રિફાઇનરી-પોર્ટ સુધી હુમલાની ધમકી



Rajkot Breaking
Rajkot Breaking: રાજકોટમાં ખાલિસ્તાની સંગઠનના નામે મોકલાયેલા ધમકીભર્યા ઈ-મેઈલને પગલે ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો સંદેશો મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર સુધી ડ્રોન હુમલો કરવાની તેમજ વાડીનાર પોર્ટ, નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટને નિશાન બનાવવાની ધમકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મામલાની ગંભીરતાને જોતા કોર્ટ અધિકારીઓએ પોલીસને જાણ કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
ધમકીભર્યો ઈ-મેઈલ રાજકોટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ પર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ સુધી જ નહીં, પરંતુ 12 એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ પર પણ આ પ્રકારનો સંદેશ મોકલાયો હોવાની માહિતી સામે આવી છે.
જામનગર સુધી ડ્રોન હુમલાની ધમકી
ઈ-મેઈલમાં રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર સુધી ડ્રોન હુમલો કરવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો છે. આ ઉપરાંત વાડીનાર પોર્ટથી લઈને નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટને પણ નિશાન બનાવવાની ધમકીનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. નયારા એનર્જીનું રિફાઇનરી સંકુલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલું છે.
ઈ-મેઈલમાં ખાલિસ્તાની સંગઠનોના નામનો ઉલ્લેખ
ધમકીભર્યા સંદેશમાં કેનેડાના ખાલિસ્તાની નેતાઓ તેમજ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સંગઠનના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી છે. જોકે, ઈ-મેઈલમાં કરાયેલા દાવા અને તેની પાછળ કોણ છે તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
મહાત્મા મંદિરને પણ નિશાન બનાવવાની ધમકી
આ ધમકીભર્યા સંદેશમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે iPhoneની બેટરીનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. તાજેતરમાં ગુજરાતમાં કોર્ટ અને અન્ય સ્થળોને ધમકીભર્યા ઈ-મેઈલ મળવાની ઘટનાઓ સામે આવી છે.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
સમગ્ર મામલે કોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેઈલને ગંભીરતાથી લઈ તેની તપાસ શરૂ કરી છે. ઈ-મેઈલ ક્યાંથી મોકલાયો, મોકલનાર કોણ છે અને ધમકીમાં કરવામાં આવેલા દાવા કેટલા સાચા છે તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નોંધ: હાલ સામે આવેલી માહિતી ઈ-મેઈલમાં કરાયેલા ધમકીભર્યા દાવા અને પ્રાથમિક અહેવાલો પર આધારિત છે. ધમકીની વાસ્તવિકતા અને તેની પાછળના વ્યક્તિ કે સંગઠનની સંડોવણી અંગે સત્તાવાર તપાસના પરિણામની રાહ જોવી જરૂરી છે.






