Rajkot મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના 12 સદસ્યો પૈકી 11 નામો ભાજપે જાહેર કર્યા



Rajkot Education Committee Election
Rajkot મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના 12 સદસ્યો પૈકી 11 નામો ભાજપે જાહેર કર્યા



Rajkot Education Committee Election
Rajkot ભાજપ દ્વારા શિક્ષણ સમિતિની 12 બેઠકોમાંથી 11 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાજકોટ શહેર પ્રમુખ માધવ દવે દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ 12 સભ્યોની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ શિક્ષણ સમિતિની ચૂંટણીનો જંગ
સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ મુજબ 21 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી યોજાવાની છે. ભાજપ શહેર પ્રમુખ માધવ દવેના જણાવ્યા મુજબ, પાર્ટી દ્વારા જાહેર કરાયેલા 11 ઉમેદવારોને હવે ઉમેદવારી પ્રક્રિયા હેઠળ ફોર્મ ભરાવવાની કામગીરી કરવામાં આવશે. પાર્ટી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોમાં પક્ષના કાર્યકરો તેમજ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ચહેરાઓને તક આપવામાં આવી હોવાનું ભાજપ તરફથી જણાવાયું છે.
માધવ દવેએ જણાવ્યું હતું કે કાર્યકરોની અપેક્ષાઓ મોટી હોય છે અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા સમિતિના સભ્યપદ માટે દાવેદારી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પક્ષના મોવડી મંડળ સાથે ચર્ચા અને વિચારણા બાદ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને અગાઉથી જ ભાજપમાં સભ્યપદ માટે મોટી સંખ્યામાં દાવેદારો હોવાની ચર્ચા હતી. અહેવાલો મુજબ આશરે 300 જેટલા દાવેદારોએ 12 બેઠકો માટે રસ દર્શાવ્યો હતો, જેના પગલે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મહત્વપૂર્ણ બની હતી.
રાજકોટ શિક્ષણ સમિતિમાં 11 નામ ફાઇનલ
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શહેરની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સંસ્થા છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાળાઓની સુવિધાઓ અને શૈક્ષણિક વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓમાં સમિતિની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. આ ઉપરાંત સરકાર તરફથી પણ બે પ્રતિનિધિઓના નામ જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે.
જેમાં ડૉ. નરેન્દ્ર વિસાણી અને કુમારભાઈ શાહનો સમાવેશ થાય છે. આ બંનેને સરકારના પ્રતિનિધિ તરીકે શિક્ષણ સમિતિમાં સામેલ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. હવે ભાજપ દ્વારા 11 નામ જાહેર થયા બાદ શિક્ષણ સમિતિની ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. આગામી દિવસોમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો રહેશે તે સ્પષ્ટ થશે. 21 ઓક્ટોબરે મતદાન અને ત્યારબાદ મતગણતરી સાથે શિક્ષણ સમિતિની નવી રચનાનો માર્ગ ખુલશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




