Get News Alerts

Never miss breaking news updates.

Porbandarમાં રૂ.20 કરોડના ખર્ચે નિર્મિત ‘સર્વોદય વન’નું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

Sarvodaya Van Porbandar: પોરબંદર જિલ્લાના ઓડેદરા ખાતે 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સર્વોદય વન’નું લોકાર્પણ કર્યું હતું. અંદાજે રૂ.20 કરોડના ખર્ચે 14 હેક્ટર વિસ્તારમાં વિકસાવાયેલા આ વનમાં...
R Gajjar
R GajjarUpdated on: 01 Oct 2026 09:05 PM IST
Porbandarમાં રૂ.20 કરોડના ખર્ચે નિર્મિત ‘સર્વોદય વન’નું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણPorbandarમાં રૂ.20 કરોડના ખર્ચે નિર્મિત ‘સર્વોદય વન’નું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

Sarvodaya Van Porbandar

Sarvodaya Van Porbandar: પોરબંદર જિલ્લાના ઓડેદરા ખાતે 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સર્વોદય વન’નું લોકાર્પણ કર્યું હતું. અંદાજે રૂ.20 કરોડના ખર્ચે 14 હેક્ટર વિસ્તારમાં વિકસાવાયેલા આ વનમાં 70 જેટલી વિવિધ પ્રજાતિનાં દોઢ લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યાં છે. આ પ્રસંગે વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને વન રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ અને વિકાસ સાથે ચાલે તે જરૂરી: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન મહોત્સવને પર્યાવરણ અને વિકાસને સાથે લઈને ચાલવાનો સંકલ્પ ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણના ભોગે વિકાસ કરવાને બદલે તેનું જતન અને સંવર્ધન કરીને વિકાસ સાધવો જરૂરી છે. વૃક્ષારોપણ, વન સંરક્ષણ અને હરિયાળું કવચ વધારવા માટે રાજ્યમાં વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 1,140 હેક્ટર વિસ્તારમાં 789 વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 6.9 કરોડ રોપાઓનું વાવેતર પૂર્ણ થયાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

પોરબંદરને રૂ.113 કરોડનાં 14 વિકાસકાર્યોની ભેટ

સર્વોદય વનના લોકાર્પણની સાથે મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં અંદાજે રૂ.113 કરોડનાં 14 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત વિચરતી જાતિના પરિવારોને આવાસ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવવા અને દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સંબંધિત ગ્રામ અને તાલુકા વિસ્તારોને વન ઉપજના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

બરડામાં સિંહોની સંખ્યા 26 થઈ: વન મંત્રી

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લામાં થયેલા વિકાસકાર્યોની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2023માં બરડા ડુંગરમાં પ્રથમ સિંહ આવ્યા બાદ હાલમાં ત્યાં 26 સિંહોનો વસવાટ છે. બરડા વિસ્તારમાં જંગલ સફારી, પક્ષી અભયારણ્ય અને મેઢા ક્રીક ખાતે બર્ડ સેન્ચ્યુરીના આયોજનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વન રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ પોરબંદરના દરિયાઈ પર્યાવરણ, સ્થાનિક વૃક્ષોની વિવિધતા અને બરડા અભયારણ્યમાં જોવા મળતાં દુર્લભ વન્યજીવોની વિશેષતાઓ રજૂ કરી હતી.

મેગા નર્સરી માટે સાત કંપની સાથે કરાર

કાર્યક્રમ દરમિયાન જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ના ધોરણે મેગા નર્સરીના નિર્માણ માટે સાત કંપનીઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ‘નમો વડ વન’, ‘ફ્રોમ વન ટુ વંદન’ અને બરડા ડુંગરના પુનરુત્થાન પર આધારિત ‘બરડા—અ લેન્ડસ્કેપ ઑફ હોપ’ સહિતનાં પ્રકાશનોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]