National Unity Day 2026: એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, PM મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ એકતા પરેડ

National Unity Day 2026: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 06:52 PM IST
National Unity Day 2026: એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, PM મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ એકતા પરેડNational Unity Day 2026: એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, PM મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ એકતા પરેડ

National Unity Day 2026

National Unity Day 2026: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભવ્ય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિવિધ રાજ્યોની પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને સુરક્ષા એજન્સીઓની ટુકડીઓએ ભાગ લીધો હતો.

કુલ 16 માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો

સમારોહમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 16 માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે પણ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. પરેડનું મુખ્ય આકર્ષણ NSGની 'હેલ માર્ચ' ટુકડી, BSF અને CRPFના જવાનો દ્વારા મોટરસાઇકલ પર કરવામાં આવેલા દિલધડક કરતબો તથા ભારતીય માર્શલ આર્ટનું પ્રદર્શન રહ્યું હતું. ભારતીય વાયુસેનાના 'સૂર્યકિરણ' વિમાનોના ફ્લાયપાસ્ટે પણ ઉપસ્થિત લોકોમાં રોમાંચ જગાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાની શપથ પણ લેવડાવી હતી.

'નક્સલ મુક્ત ભારત'ની થીમને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું

આ વર્ષની ઉજવણીમાં 'નક્સલ મુક્ત ભારત'ની થીમને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં આવેલા પરિવર્તન અને શાંતિના સંદેશને રજૂ કરતી વિશેષ નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરના આશરે 5,000 કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ ઝાંખીઓ રજૂ કરી હતી.

આ પહેલાં વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ એકતાનગરમાં રૂપિયા 426.71 કરોડના ખર્ચે તૈયાર થનારા 31 પ્રવાસન અને માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. દેશની અખંડિતતા અને એકતામાં સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો આ દિવસ છે.

આ પણ વાંચો: Surat News: દિવાળીના તહેવારને લઈ પોલીસ સજ્જ, ચોરી-લૂંટ અટકાવવા સુરક્ષા એજન્સીઓ સાથે યોજી બેઠક

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.