Panchmahal News: કાલોલ મામલતદારની કડક કાર્યવાહી, રેતી માફિયાઓના ખબરીને ઝડપી પાડ્યો


Panchmahal News
Panchmahal News: કાલોલ મામલતદારની કડક કાર્યવાહી, રેતી માફિયાઓના ખબરીને ઝડપી પાડ્યો


Panchmahal News
Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલમાં રેતી માફિયાઓ સામે મામલતદારે કડક વલણ અપનાવ્યું છે. રેતી માફિયાઓને સરકારી અધિકારીઓના લોકેશનની માહિતી પહોંચાડતા એક શખ્સને મામલતદારની ટીમે ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પકડાયેલા યુવક પાસે ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જિલ્લામાં ચર્ચા જાગી છે.
મામલતદારે કચેરીની બહાર શંકાસ્પદ રીતે બેઠેલા શખ્સ પર નજર રાખી
મળતી માહિતી મુજબ, કાલોલ મામલતદાર કચેરીની બહાર એક શખ્સ બેસીને અધિકારીઓની અવરજવર પર નજર રાખતો હતો. મામલતદાર અને તેમની ટીમ જ્યારે ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી કરવા રેડ પાડવા નીકળતી ત્યારે અધિકારીઓનું લોકેશન રેતી માફિયાઓ સુધી પહોંચી જતું હતું. પરિણામે માફિયાઓ અગાઉથી સાવચેત થઈ જતા અને કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઊભી થતી હતી. આ બાબતની જાણ થતાં મામલતદારે કચેરીની બહાર શંકાસ્પદ રીતે બેઠેલા શખ્સ પર નજર રાખી હતી. તપાસ દરમિયાન તે રેતી માફિયાઓને અધિકારીઓનું લોકેશન મોકલતો હોવાની શંકાના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલતદારે યુવક પાસે ઉઠક-બેઠક કરાવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
મામલતદારે રેતી માફિયાઓને કડક ચીમકી આપી
બીજી તરફ, કાલોલના ઘુસર રોડ પર રેતી ઢોળાયેલી રહેતી હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થતો હતો. આ સમસ્યાને લઈને પણ મામલતદારે રેતી માફિયાઓને કડક ચીમકી આપી હતી. મામલતદાર દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ રેતી માફિયાઓએ રાતોરાત રોડ પર પડેલી રેતી સાફ કરી નાખી હતી. રસ્તાની સફાઈ કરતા શખ્સોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઉપરાંત રેતી માફિયાઓને ચેતવણી આપતો મામલતદારનો એક ઓડિયો પણ ચર્ચામાં આવ્યો છે. મામલતદારની આ આક્રમક કાર્યવાહીને પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, લોકેશન મોકલવાના આરોપ અંગેની વધુ સત્તાવાર વિગતો અને કાયદેસરની કાર્યવાહી અંગેની માહિતી સામે આવવાની બાકી છે.





