Hookah Bar Raid: અમદાવાદ અને ગાંધીનગરમાં હુક્કાબાર પર દરોડા, 2.72 લાખનો સામાન જપ્ત


State Monitoring Cell Hookah Bar Raid Ahmedabad હુક્કાબાર દરોડા
Hookah Bar Raid: અમદાવાદ અને ગાંધીનગરમાં હુક્કાબાર પર દરોડા, 2.72 લાખનો સામાન જપ્ત


State Monitoring Cell Hookah Bar Raid Ahmedabad હુક્કાબાર દરોડા
Hookah Bar Raid: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી હુક્કાબારની પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકની સૂચનાના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ-અલગ ટીમોએ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લામાં કુલ ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચાર હુક્કાબારમાંથી હુક્કા, ફ્લેવર, કોલસો સહિત કુલ રૂ. 2,72,004નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. નિવેદી, જે.જે. ચાવડા, એન.પી. દેસાઈ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.જી. એણુરકરની ટીમોએ અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગરના ટેમ્પ્ટેશન કાફેમાં દરોડો
પ્રથમ કાર્યવાહી ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં એરપોર્ટ રોડ પર ભાઈજીપુરા ફ્લાયઓવર નજીક આવેલી હોટલ જય કૃષ્ણાના બેઝમેન્ટમાં આવેલા 'ટેમ્પ્ટેશન કાફે'માં કરવામાં આવી હતી. અહીંથી કાફેના સંચાલક રોહિતકુમાર સુદામા પાંડે સહિત હુક્કો પીવા આવેલા 12 ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 6 હુક્કા, ફ્લેવરનાં 7 પેકેટ, ફ્લેવરનાં 4 ડબ્બા, કોલસાનો એક કિલોનો જથ્થો અને 4 ચિલમ સહિત કુલ રૂ. 8,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 3 નવેમ્બર, 2026ના રોજ જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી.
એલિસબ્રિજના TC’s લાઉન્જમાંથી રૂ. 1.46 લાખનો મુદ્દામાલ
બીજી કાર્યવાહી અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં ગુજરાત કોલેજ રોડ પર આવેલા TC’s લાઉન્જ એન્ડ રેસ્ટોરન્ટમાં કરવામાં આવી હતી. અહીં રેસ્ટોરન્ટના માલિક પથિકભાઈ શાહ, મેનેજર કૃણાલ શાહ, કેશિયર હરેશ ઠાકોર સહિત કુલ 8 વ્યક્તિઓ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ચાલુ હાલતમાં 6 હુક્કા, અન્ય 40 હુક્કા, 74 રબરની નળીઓ, 188 માટીની ચિલમ, 577 ફ્લેવરનાં પેકેટ, 22 અન્ય ફ્લેવર પેકેટ, 2 કિલો કોલસો, એલ્યુમિનિયમ ફોઈલના 9 રોલ અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1,46,530નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરાઈ હતી.
ચાંદખેડાના કિંગ્સ કાફેમાં 25 હુક્કા મળ્યા
ત્રીજી કાર્યવાહી ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં ઝુંડાલ સર્કલ પાસે સર્વિસ રોડ પર આવેલી ખોડિયાર કાઠિયાવાડી હોટલ નજીકના કિંગ્સ કાફેમાં કરવામાં આવી હતી. અહીં કાફેના માલિક સાવનકુમાર પરમાર સહિત કુલ 3 વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં એક અને અન્ય 24 સહિત કુલ 25 હુક્કા, 17 ચિલમ, ફ્લેવરનાં 26 પેકેટ, 25 પાઈપ, કોલસાના 15 કિલો, ફોઈલના 3 રોલ, કોલસા સળગાવવાની સગડી, ફિલ્ટર પાઈપનાં પેકેટ સહિતનો સામાન કબજે કર્યો હતો. આ તમામ મુદ્દામાલની કિંમત રૂ. 48,445 હોવાનું જણાવાયું છે.
સરખેજના જેકલ લાઈવ કેફેમાંથી રૂ. 68,929નો સામાન જપ્ત
ચોથી કાર્યવાહી સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં થલતેજના સિંધુભવન રોડ પર ફન બ્લાસ્ટ ગેમ ઝોન પાછળ આવેલી PRL કોલોનીમાં કાંસેટ પાર્ટી પ્લોટ પાસેના જેકલ લાઈવ કેફેમાં કરવામાં આવી હતી. અહીં કેફેના માલિક જીગર પટેલ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી પાઈપ સાથેના 23 હુક્કા, એલ્યુમિનિયમ ફોઈલનો એક રોલ, 2 કિલો કોલસો, 21 પ્લાસ્ટિક બાઉલ, એક કિલોની ક્ષમતાવાળા ફ્લેવરના 11 ડબ્બા, અલગ-અલગ ફ્લેવરનાં 45 પેકેટ અને 179 પ્લાસ્ટિક ફિલ્ટર સહિત કુલ રૂ. 68,929નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચારેય સ્થળે કરાયેલી કાર્યવાહી બાદ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં 3 નવેમ્બર, 2026ના રોજ જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કરાયેલા મુદ્દામાલને વધુ તપાસ માટે હસ્તગત કર્યો છે.
આ પણ વાંચો : UP Politics: ગોરખપુરમાં ભાજપની ‘લોકતંત્ર બચાવો’ પદયાત્રા, યોગી આદિત્યનાથ જોડાશે





