Get News Alerts

Never miss breaking news updates.

Morbi : પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ પરિવારોનું સન્માન, બે પરિવારોને રૂપિયા 1-1 લાખની સહાય અર્પણ કરાઈ

Morbi : નવરાત્રિનો પર્વ માત્ર માતાજીની આરાધના અને ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ સમાજસેવા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનો પણ અવસર છે.
Kunjan ShuklaUpdated on: 12 Oct 2026 05:53 PM IST
Morbi : પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ પરિવારોનું સન્માન, બે પરિવારોને રૂપિયા 1-1 લાખની સહાય અર્પણ કરાઈMorbi : પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ પરિવારોનું સન્માન, બે પરિવારોને રૂપિયા 1-1 લાખની સહાય અર્પણ કરાઈ

Morbi

Morbi : નવરાત્રિનો પર્વ માત્ર માતાજીની આરાધના અને ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ સમાજસેવા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનો પણ અવસર છે. મોરબીમાં નવરાત્રિના પ્રથમ નોરતે દેશભક્તિ અને સેવાભાવનું આવું જ પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું હતું. રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા દ્વારા સંચાલિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદ જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

શહીદ જવાનોના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી

આ પ્રસંગે હરિયાણાના શહીદ જવાન તરુણ ભારદ્વાજ અને ઉત્તર પ્રદેશના શહીદ જવાન અશોક કુમારના પરિવારોને વિશેષ આમંત્રણ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને શહીદ પરિવારોને રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરીને આર્થિક સહાય આપવામાં આવી હતી. શહીદ જવાનોના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના પરિવારોની સાથે ઊભા રહેવાના ઉદ્દેશથી આ પહેલ હાથ ધરવામાં આવી છે.

નવરાત્રિના નવ દિવસ શહીદ પરિવારોનું સન્માન

પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં માત્ર પ્રથમ નોરતે જ નહીં, પરંતુ સમગ્ર નવરાત્રિ દરમિયાન દેશભક્તિ અને સમાજસેવાની ભાવનાને આગળ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે નવરાત્રિના સતત નવ દિવસ સુધી દરરોજ શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવશે. સાથે જ, દરેક પરિવારને રૂ. 1 લાખની આર્થિક સહાય અર્પણ કરવાની યોજના છે. દેશની સરહદોનું રક્ષણ કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારો પ્રત્યે સન્માન વ્યક્ત કરવાની આ પહેલને સરાહનીય પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

દેશભક્તિ સાથે સેવાભાવનો સંદેશ

મોરબીમાં યોજાઈ રહેલા આ નવરાત્રિ મહોત્સવમાં ધાર્મિક ઉત્સવની સાથે રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીને પણ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. શહીદ પરિવારોનું સન્માન અને આર્થિક સહાય દ્વારા સમાજમાં દેશ માટે બલિદાન આપનારા જવાનો પ્રત્યે આદરની ભાવના વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ પહેલ નવરાત્રિના ઉત્સવને સેવાભાવ અને રાષ્ટ્રભક્તિ સાથે જોડતું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.

આ પણ વાંચો : Kheda : જિલ્લા ભાજપ મહિલા મોરચાના કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવો, મણિપુરના કોંગ્રેસી સાંસદ સામેના આક્ષેપોને લઈ ઉગ્ર વિરોધ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.