Mehsana News : માતા-પિતાને વૃદ્ધાશ્રમ મોકલનાર સંતાનોનો સામાજિક બહિષ્કાર કરો : હર્ષ સંઘવી

Mehsana News : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામ ખાતે યોજાયેલા શ્રી બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધ માતા-પિતાની અવગણના કરતા સંતાનોને લઈને મોટું નિવેદન.
Vivek Shah
Vivek Shah
Mehsana News માતા-પિતાને લઈ સંઘવીનું નિવેદનMehsana News માતા-પિતાને લઈ સંઘવીનું નિવેદન

Mehsana News માતા-પિતાને લઈ સંઘવીનું નિવેદન

Mehsana News : હર્ષ સંઘવીએ સમાજમાં વૃદ્ધ માતા-પિતાનું સન્માન અને તેમની સંભાળ જળવાઈ રહે તે માટે કડક સામાજિક નિયમો બનાવવાની અપીલ કરી હતી. માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનોને ગામના પ્રસંગો અને સામાજિક કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવું જોઈએ તેવી વાત પણ તેમણે રજૂ કરી હતી.

રણાસણ ખાતે નવા બનેલા સમાજના હોલના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વૃદ્ધોની સંભાળ અને પારિવારિક જવાબદારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જે માતા-પિતાએ કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા અને જીવનમાં આગળ વધાર્યા, એ જ માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મોકલવાની ઘટનાઓ ચિંતાજનક છે.

વૃદ્ધ માતા-પિતાની અવગણના સામે કડક સામાજિક નિયમોની અપીલ

તેમણે સમાજના આગેવાનો અને ગ્રામજનોને આ પ્રકારની માનસિકતા સામે એકજૂથ થવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, જે સંતાનો પોતાના માતા-પિતાની જવાબદારી નિભાવતા નથી, તેમને સામાજિક પ્રસંગો અને ગામના કાર્યક્રમોમાં બોલાવવા અંગે સમાજે ગંભીરતાથી વિચારવું જોઈએ. આવા સંતાનો સામે સામાજિક સ્તરે કડક વલણ અપનાવવાની પણ તેમણે વાત કરી હતી.

હર્ષ સંઘવીએ સંબંધોની સાચી કિંમત સમજાવતા કહ્યું હતું કે, "જે માતા-પિતાને ન સાચવે તે તમારો સંબંધ શું સાચવશે?" તેમના આ નિવેદનને પગલે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. વૃદ્ધ માતા-પિતાની સેવા અને સન્માન માત્ર પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી હોવાનો સંદેશ આ નિવેદન દ્વારા આપવામાં આવ્યો હતો.

વિજાપુરમાં હર્ષ સંઘવીનો હુંકાર

તેમણે ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણા માટે નવા નિયમો અને વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં એકલા છોડી દેવાની કે તેમની અવગણના કરવાની વૃત્તિ અટકાવવા સમાજના આગેવાનોએ આગળ આવવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધોની સંભાળ, તેમના સન્માન અને સુરક્ષાનો મુદ્દો આજના સમયમાં સામાજિક ચર્ચાનો વિષય બન્યો છે. અનેક પરિવારોમાં વૃદ્ધ માતા-પિતાની જવાબદારીને લઈને પડકારો ઊભા થતા હોય છે.

રણાસણ ખાતેના આ કાર્યક્રમમાં રજૂ થયેલા નિવેદનથી વૃદ્ધ માતા-પિતાની સંભાળ અને સંતાનોની જવાબદારી અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ અપીલ બાદ સ્થાનિક સમાજો વૃદ્ધોના સન્માન અને સંભાળ માટે કેવા સામાજિક નિર્ણયો લે છે.

આ પણ વાંચો : Railway News : દિવાળી-છઠ પૂજામાં રેલવેનું વિશેષ આયોજન, સુરતથી 6 લાખ મુસાફરોએ કરી મુસાફરી; ઉધના સ્ટેશન પર 15 હજારની ક્ષમતાવાળું હોલ્ડિંગ એરિયા