Mehsana News: ઉનાવામાં 2500 બેગ સરકારી યુરિયા ખાતર ઝડપાયું


Mehsana Unava Fertilizer Raid News
Mehsana News: ઉનાવામાં 2500 બેગ સરકારી યુરિયા ખાતર ઝડપાયું


Mehsana Unava Fertilizer Raid News
Mehsana News: મહેસાણા જિલ્લાના ઉનાવા વિસ્તારમાં સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઊંઝા મામલતદાર અને મહેસાણા એલસીબીની ટીમે બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી કરી અંદાજે 2500 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ઊંઝા મામલતદાર સહિત મહેસાણા એલસીબીની ટીમે દરોડો પાડ્યો
મળતી માહિતી મુજબ, ઉનાવા વિસ્તારમાં રિયા એસ્ટેટ પાછળ આવેલા ગણેશ એગ્રોના ગોડાઉનમાં સરકારી યુરિયા ખાતરનો મોટો જથ્થો સંગ્રહિત હોવાની બાતમી તંત્રને મળી હતી. આ બાતમીના આધારે ઊંઝા મામલતદાર સહિત મહેસાણા એલસીબીની ટીમે ગોડાઉન ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાં તપાસ કરતાં અંદાજે 2500 બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ, આ ખાતર ખેડૂતોને ખેતી માટે સબસિડીના દરે આપવામાં આવતું સરકારી યુરિયા ખાતર હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા યુરિયા ખાતર પર સબસિડી આપવામાં આવે છે. આવા ખાતરના ગેરકાયદે સંગ્રહ કે અન્યત્ર ઉપયોગની આશંકાને પગલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ જથ્થા પાછળ કોની સંડોવણી?
જોકે, ઝડપાયેલા ખાતરનો જથ્થો કયા હેતુથી અને કોના દ્વારા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર મામલે મહેસાણા એલસીબી અને ઊંઝા મામલતદાર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોડાઉનમાંથી મળી આવેલા ખાતરના જથ્થા અંગે જરૂરી તપાસ અને કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ખેડૂતોને મળવાપાત્ર સબસિડીવાળા ખાતરના જથ્થાનો આટલો મોટો સંગ્રહ મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. હવે તપાસમાં આ જથ્થા પાછળ કોની સંડોવણી છે અને ખાતર ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: Jamnagar News: મિલકતવેરાના બાકીદારો સામે મનપાની તવાઈ, 4 મિલકતો સીલ





