Jamnagar News: મિલકતવેરાના બાકીદારો સામે મનપાની તવાઈ, 4 મિલકતો સીલ


Jamnagar Property Tax
Jamnagar News: મિલકતવેરાના બાકીદારો સામે મનપાની તવાઈ, 4 મિલકતો સીલ


Jamnagar Property Tax
Jamnagar News: જામનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલકતવેરો નહીં ભરનારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોરંટ અને નોટિસની બજવણી કરવા છતાં વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે મનપાની ટીમે સ્થળ પર તપાસ કરી હતી. આ દરમિયાન કુલ 98 મિલકતોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 23 મિલકતો પાસેથી રૂપિયા 7.44 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે.
ચાર મિલકતોને સીલ કરવામાં આવી
મનપાની કાર્યવાહી દરમિયાન મિલકતવેરો નહીં ભરનારી ચાર મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ ચારેય મિલકતો પર કુલ રૂપિયા 7,81,082નો મિલકતવેરો બાકી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક મિલકતનું નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું. આ મિલકત પર રૂપિયા 1,60,582નો વેરો બાકી હતો. કાર્યવાહી દરમિયાન ચાર મિલકતધારકોએ બાકી મિલકતવેરાની ચુકવણી પેટે રૂપિયા 8,86,691ના ડ્યુ ડેટ ચેક પણ મનપાને આપ્યા હતા. આમ, બાકીદારો પાસેથી સ્થળ પર જ વસૂલાત કરવાની સાથે વેરાની ચુકવણી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
વોરંટ આપ્યા બાદ પણ ચુકવણી ન થતાં મનપાએ કડક વલણ અપનાવ્યું
આ સમગ્ર કાર્યવાહી મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી વેરો નહીં ભરનારા મિલકતધારકોને નોટિસ અને વોરંટ આપ્યા બાદ પણ ચુકવણી ન થતાં મનપાએ કડક વલણ અપનાવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ મિલકતવેરાના બાકીદારો સામે આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ બાકી વેરો નહીં ભરનારી મિલકતોને સીલ કરવાની તેમજ નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર મનપાએ તમામ મિલકતધારકોને અપીલ કરી છે કે તેઓ પોતાનો બાકી મિલકતવેરો તાત્કાલિક ભરપાઈ કરે અને કડક કાર્યવાહીથી બચી શકે.





