Mahisagar માં મૃતક મહિલાના નામે કૃષિ લોન કૌભાંડનો પર્દાફાશ, પોલીસે બાતમીના આધારે 7 આરોપીને દબોચ્યા


Mahisagar Bank Scam
Mahisagar માં મૃતક મહિલાના નામે કૃષિ લોન કૌભાંડનો પર્દાફાશ, પોલીસે બાતમીના આધારે 7 આરોપીને દબોચ્યા


Mahisagar Bank Scam
Mahisagar : પોલીસે આ મામલે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર પ્રકરણમાં બેંક કર્મચારીઓની કોઈ સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કાળા ખેતરા ગામની કેસરબેન નામની મૃતક મહિલાના નામે કૃષિ લોન લેવામાં આવી હોવાની ફરિયાદ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં સમગ્ર મામલો વધુ ગંભીર હોવાનું સામે આવ્યું હતું.
મૃતક મહિલાના નામે લોન કૌભાંડનો મામલો ગરમાયો
પોલીસ તપાસમાં મુખ્ય આરોપી તરીકે કિરીટભાઈ કાળુભાઈ માછી ઝડપાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર તે એજન્ટ તરીકે કામ કરતો હતો. આ ઉપરાંત જયમલકુમાર ભુપતસિંહ માલીવાડ પાસેથી અલગ-અલગ સરપંચો અને તલાટીઓના સિક્કા મળી આવ્યા હોવાનું જણાવાયું છે. આ સિક્કાઓનો કથિત કૌભાંડમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ કેસમાં પોલીસે કેનેરા બેંકમાંથી પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતી આશરે 12 ફાઇલો પણ કબજે કરી છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કેનેરા બેંક મારફતે કૃષિ લોનના નામે કરવામાં આવેલા વ્યવહારો અને મંજૂર થયેલી લોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં બેંકના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે પણ પોલીસ માટે મહત્વનો તપાસનો મુદ્દો બન્યો છે. લોન મંજૂર કરવાની પ્રક્રિયા, રજૂ કરાયેલા દસ્તાવેજો, સિક્કાઓના ઉપયોગ અને લાભાર્થીઓ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહીસાગરમાં મૃતકના નામે કૃષિ લોન લીધી
પોલીસે ઝડપેલા સાત આરોપીઓમાં નાનાભાઈ ધુળાભાઈ બારીયા, કિરીટભાઈ કાળુભાઈ માછી, હરીશભાઈ રૂપાભાઈ પાદરીયા, ખેમાભાઈ જેસીગભાઈ પાદરીયા, કાળુભાઈ નાથાભાઈ પટેલીયા, પર્વતભાઈ લાલાભાઈ પટેલીયા અને જયમલકુમાર ભુપતસિંહ માલીવાડનો સમાવેશ થાય છે. હવે પોલીસ સામે મુખ્ય સવાલ એ છે કે મૃતક મહિલાના નામે કૃષિ લોનની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી અને લોન મંજૂર કેવી રીતે થઈ.
સાથે જ આ કથિત કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને વધુ કેટલી લોન શંકાસ્પદ છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ આગળ વધતાં આ પ્રકરણમાં વધુ દસ્તાવેજો, લોન ખાતાઓ અને સંડોવાયેલા લોકો અંગેની વિગતો સામે આવવાની શક્યતા છે.




