Agriculture News : કચ્છના ખેડૂતોનો સરકારને સવાલ, અછત જાહેર થયા પછી પણ રાહત કેમ નહીં?


Agriculture News કચ્છમાં સરકારના સહાયની જાહેરાતના રૂપિયા બાકી
Agriculture News : કચ્છના ખેડૂતોનો સરકારને સવાલ, અછત જાહેર થયા પછી પણ રાહત કેમ નહીં?


Agriculture News કચ્છમાં સરકારના સહાયની જાહેરાતના રૂપિયા બાકી
Agriculture News : રાજ્ય સરકારે કચ્છને અછતગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 8,500ની સહાય આપવાની જાહેરાત કરી છે. જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ સુધી સહાયની અમલવારી શરૂ થઈ નથી અને તેમના બેંક ખાતામાં રકમ જમા થઈ નથી. અછતની સ્થિતિ વચ્ચે ખેડૂતો અને પશુપાલકો હવે સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે.
કચ્છ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના અનેક પરિવારો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. ચાલુ ચોમાસામાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ પડતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં અછત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઓછા વરસાદની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે. બીજી તરફ પાણી અને ઘાસચારાની અછતને કારણે પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.
રાજ્ય સરકારે કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યો હતો
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યો હતો. સાથે જ ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 8,500ની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર હોવાનું જણાવાયું છે. જોકે જાહેરાત થયા બાદ પણ સહાયની ચૂકવણી શરૂ ન થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે અછતના કારણે ખેતીના ખર્ચ અને આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે સહાયની રકમ સમયસર મળે તે અત્યંત જરૂરી છે.
ભુજ તાલુકા કિસાન સંઘના સહમંત્રી રવજી ચાવડાના જણાવ્યા મુજબ, અછતની જાહેરાત બાદ તેની અસરકારક અમલવારી થવી જરૂરી છે. ખેડૂતો અને પશુપાલકોને હાલની સ્થિતિમાં તાત્કાલિક રાહત મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
પશુપાલનનો વ્યવસાય પણ પ્રભાવિત થઈ રહ્યો છે
ખેડૂતોનું માનવું છે કે હેક્ટર દીઠ જાહેર કરાયેલી રૂ. 8,500ની સહાય પણ વર્તમાન પરિસ્થિતિની સરખામણીએ અપૂરતી છે. અછતના કારણે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ પ્રભાવિત થઈ રહ્યો છે. પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે, જેના કારણે પશુપાલકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. હવે ખેડૂતોની માંગ છે કે અછતની જાહેરાતને માત્ર કાગળ પર મર્યાદિત ન રાખવામાં આવે, પરંતુ તેની તાત્કાલિક અમલવારી કરી સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે.
સાથે જ અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની સમસ્યાના ઉકેલ માટે પણ જરૂરી પગલાં લેવામાં આવે. કચ્છના ખેડૂતો અને પશુપાલકો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ત્યારે અછત રાહતની અમલવારી ક્યારે શરૂ થશે અને ખેડૂતોને સહાય ક્યારે મળશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીમાં દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપાઈ, 12.69 લાખનો મુદ્દામાલ જપ્ત




