Get News Alerts

Never miss breaking news updates.

નડિયાદના સુરાસામળમાં NRIના મકાનમાં લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલાયો, 7માંથી 4 આરોપી ઝડપાયા

Nadiad NRI House Robbery Attempt: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટના ઇરાદે ઘૂસેલી ટોળકીના 7 આરોપીઓમાંથી 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 20 સપ્ટેમ્બરના રોજ બનેલી...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 07:13 PM IST
નડિયાદના સુરાસામળમાં NRIના મકાનમાં લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલાયો, 7માંથી 4 આરોપી ઝડપાયાનડિયાદના સુરાસામળમાં NRIના મકાનમાં લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલાયો, 7માંથી 4 આરોપી ઝડપાયા

Nadiad NRI House Robbery Attempt

Nadiad NRI House Robbery Attempt: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટના ઇરાદે ઘૂસેલી ટોળકીના 7 આરોપીઓમાંથી 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 20 સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં 80 વર્ષીય વૃદ્ધ જશભાઈ પટેલ જાગી જતા આરોપીઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના દરમિયાન આરોપીઓએ જશભાઈ પટેલની ઓશિકા વડે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના પુત્ર સંદીપ પટેલ વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

CCTVના આધારે પોલીસને મળી મહત્વની કડી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખેડા પોલીસ દ્વારા LCB, SOG, ચકલાસી પોલીસ અને નડિયાદ ટાઉન પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. CCTVમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનની ઓળખ થતાં પોલીસને આગળની તપાસ માટે મહત્વની કડી મળી હતી. આ ઉપરાંત FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ, CCTV ફૂટેજ એનાલિસિસ તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

નડિયાદ-સલુણ મોટી કેનાલ પાસેથી 4 આરોપીઓ ઝડપાયા

તપાસ દરમિયાન કુલ 7 આરોપીઓના નામ સામે આવ્યા હતા, જેમાંથી 4 આરોપીઓને બાતમીના આધારે નડિયાદ-સલુણ મોટી કેનાલ પર રામદેવપીર મંદિરથી કંજોડા બ્રિજ વચ્ચેના વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં

  • દિપકકુમાર ઉર્ફે વિકી કાળીદાસ વણકર (30) – સલુણ વાંટો, નડિયાદ. અન્ય આરોપીઓને બોલાવનાર હોવાનું સામે આવ્યું છે.

  • આકાશકુમાર ઉર્ફે બકુ મનુભાઇ ડોડીયા (28) – ખોડિયારપુરા, સલુણ તળપદ, નડિયાદ. અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

  • કમલેશભાઇ બાબુભાઇ તળપદા (40) – સલુણ તળપદ, નડિયાદ. બનાવમાં ટીપ આપનાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

  • હિતેશભાઇ ઉર્ફે કાલુ ખોડાભાઇ ચાવડા (24) – મૂળ સાણંદ/વિરમગામ, હાલ નારોલ, અમદાવાદ. અમદાવાદથી રિક્ષામાં આરોપીઓને લાવનાર હોવાનું સામે આવ્યું છે.

અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા તપાસ

આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જેમાં અજય ઓમપ્રકાશ તિવારી, નિલેશ સુભાષભાઇ ખલ્લાસ અને મોહિતભાઇ રાજેશભાઇ રાજપૂત, ત્રણેય અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

સુરાસામળ બાદ આણંદમાં પણ લૂંટનો પ્લાન હતો

પોલીસ તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. જો સુરાસામળમાં લૂંટ કરવામાં આરોપીઓ સફળ થયા હોત તો ત્યારબાદ તેઓ આણંદમાં પણ લૂંટ કરવા જવાના હતા. હાલ પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]