નડિયાદમાં 8 મહિનાની બાળકીની શ્વાસનળીમાંથી LED બલ્બ કાઢી જીવ બચાવાયો


Nadiad Baby LED Bulb Removal
નડિયાદમાં 8 મહિનાની બાળકીની શ્વાસનળીમાંથી LED બલ્બ કાઢી જીવ બચાવાયો


Nadiad Baby LED Bulb Removal
Nadiad Baby LED Bulb Removal: ખેડા જિલ્લાના નડિયાદમાં તબીબોની સમયસૂચકતા અને કુશળતાથી 8 મહિનાની બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે. મહેમદાબાદની 8 મહિનાની બાળકી રિયા મારવાડીને શ્વાસ લેવામાં ભારે તકલીફ અને ઉલ્ટીમાં લોહી આવવાની ફરિયાદ સાથે ડૉ. એન.ડી. દેસાઈ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. રડતી વખતે બાળકીનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હોવાથી તબીબો માટે સ્થિતિ અત્યંત ગંભીર બની હતી.

એક્સ-રેમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું
પરિવારના જણાવ્યા મુજબ, બાળકીએ તીક્ષ્ણ ધાતુની વસ્તુ ગળી લીધી હતી. બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક ડૉ. એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કરવામાં આવેલા એક્સ-રેમાં જાણવા મળ્યું કે બાળકીની શ્વાસનળીમાં, લેરીંક્સની તરત નીચે એક ધાતુની વસ્તુ ફસાયેલી હતી. વધુ તપાસમાં આ વસ્તુ મેટલ વાયર સાથેનો LED બલ્બ હોવાનું સામે આવ્યું હતું.

તબીબોએ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું
પરિસ્થિતિની ગંભીરતા જોતા તબીબોએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાળકીની સારવાર શરૂ કરી હતી. ENT વિભાગના HOD અને પ્રોફેસર ડૉ. સુપ્રિત પ્રભુ તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રિયંકા ભગતની ટીમે બ્રોન્કોસ્કોપીની મદદથી બાળકીની શ્વાસનળીમાંથી LED બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. આ જટિલ પ્રક્રિયા દરમિયાન એનેસ્થેસિયા વિભાગ અને નર્સિંગ સ્ટાફે પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

લાખોની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક
આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત એ છે કે બાળકીની જીવ બચાવતી સારવાર હોસ્પિટલ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી. ઓપરેશન બાદ બાળકીની તબિયત સ્થિર હોવાનું અને હાલમાં તેને કોઈ તકલીફ ન હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, જો સમયસર નિદાન અને સારવાર ન મળી હોત તો આ ઘટના જીવલેણ સાબિત થઈ શકી હોત.

પરિવારજનોએ હોસ્પિટલનો આભાર માન્યો
લાખો રૂપિયાના ખર્ચે થનારી સારવાર નિઃશુલ્ક કરી આપતા બાળકીના પરિવારે ડૉ. એન.ડી. દેસાઈ હોસ્પિટલના તબીબો અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તબીબોની સમયસૂચકતા અને તાત્કાલિક સારવારથી 8 મહિનાની બાળકીની શ્વાસનળીમાંથી જોખમી વસ્તુ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી અને તેનો જીવ બચાવવામાં આવ્યો.




