ખેડાના મહુધામાં યુવક પર હુમલા બાદ તંત્રનો મેગા એક્શન, 48 જેટલા દબાણો પર બુલડોઝર


Mahudha Encroachment Demolition
ખેડાના મહુધામાં યુવક પર હુમલા બાદ તંત્રનો મેગા એક્શન, 48 જેટલા દબાણો પર બુલડોઝર


Mahudha Encroachment Demolition
Mahudha Encroachment Demolition: મહુધામાં હિન્દુ યુવક પર હુમલાની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે સાંજે બનેલી ઘટનાને પગલે 3 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાયા બાદ આજે વહેલી સવારથી જ મહુધાના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહુધામાં વહેલી સવારથી જ તંત્રની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, મહુધાની તળાવ ભાગોળ, મહુધા બસ સ્ટેન્ડ વિસ્તાર, મહુધા-સિહુજ ચોકડી અને સ્ટેટ હાઇવે આસપાસના વિસ્તારોમાં કાચા-પાકા મળી આશરે 48 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. હુમલાની ઘટના બાદ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે.

250થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ખેડા જિલ્લા પોલીસવડા વિજય પટેલ, ડીવાયએસપી વિમલ બાજપાઈ, ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો સહિત 25થી વધુ પોલીસ અધિકારીઓ તથા 250થી વધુ પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

6 JCB મશીનથી દબાણો હટાવાયા
વહીવટી તંત્ર તરફથી પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ R&B વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી માટે આશરે 6 JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત R&B વિભાગના 50થી વધુ કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાયા હતા.
હુમલાના કેસ બાદ કાર્યવાહીથી ચકચાર
ગઈકાલે સાંજે યુવક પર હુમલાની ઘટના બાદ મહુધામાં પોલીસ અને વહીવટી તંત્રની સક્રિયતા જોવા મળી રહી છે. એક તરફ હુમલાના કેસમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ જાહેર સ્થળો અને માર્ગ આસપાસના દબાણો હટાવવાની કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે. તંત્ર દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર કાર્યવાહી દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી હતી.




