Kheda રેલવે સ્ટેશન પર ₹4 કરોડના સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા



Kheda Gold Robbery Case
Kheda રેલવે સ્ટેશન પર ₹4 કરોડના સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા



Kheda Gold Robbery Case
Kheda Gold Robbery Case: ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. ખેડા રેલવે સ્ટેશન પર થયેલી આશરે ₹4 કરોડની કિંમતના સોનાની લૂંટનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે GRPએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. સંયુક્ત ઓપરેશનમાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટાયેલું આશરે 2.90 કિલોગ્રામ સોનું એટલે કે 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે. ગુનામાં વપરાયેલી બે કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ સફળ કામગીરી બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ફરિયાદીના પ્રયાસથી પોલીસને મળી મહત્વની કડી
મળતી માહિતી મુજબ, ખેડા રેલવે સ્ટેશન પર સાંજે આશરે 5 વાગ્યે સોનાની લૂંટની ઘટના બની હતી. લૂંટનો ભોગ બનેલી વ્યક્તિએ હિંમત દાખવી આરોપીઓનો પીછો કર્યો હતો અને તેમના વાહનનો ફોટો પણ પાડી લીધો હતો. ત્યારબાદ ખેડા GRP પોલીસે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસીને શંકાસ્પદ ટાટા ટિયાગો કારની ઓળખ કરી હતી અને સ્ટેટ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. સાંજે આશરે 7:30 વાગ્યે આ માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળતાં જ તપાસ તેજ કરવામાં આવી હતી. વાહનના રજિસ્ટ્રેશન નંબર અને મોબાઇલ નંબરના SDRના આધારે પોલીસે બનાસકાંઠા સાથેનું કનેક્શન શોધ્યું હતું. LCBના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહે પોતાના બાતમીદાર નેટવર્કની મદદથી શંકાસ્પદ કારનું લોકેશન મેળવ્યું હતું.

બે કારમાં ભાગી રહ્યા હતા આરોપીઓ
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ટાટા ટિયાગો કારની પાછળ નંબર પ્લેટ વગરની મારુતિ બલેનો કાર પણ આવી રહી હતી. સંભવિત રૂટ સાચાણા અને વિરમગામ તરફનો હોવાનું જણાતાં LCB અને વિરમગામ ટાઉન પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી હતી. વિરમગામ ટાઉનમાં બલેનો કાર પ્રવેશે તે પહેલાં પોલીસે ટ્રક અને અન્ય વાહનો રસ્તા પર આડાં મૂકીને માર્ગ બંધ કર્યો હતો. આ દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે લૂંટાયેલું સોનું લઈને અન્ય ત્રણ આરોપીઓ ટિયાગો કારમાં આગળ નીકળી ગયા હતા.
પોલીસ અધિકારીને 500 મીટર સુધી ઢસડ્યા
પકડાયેલા આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે ટિયાગો કારમાં સવાર અન્ય આરોપીઓનું લોકેશન મેળવ્યું હતું. ત્યારબાદ પીઆઈ એસ.એ. ગઢવી, પીઆઈ પરેશા જાની અને અન્ય પોલીસ ટીમોએ સ્થળ પર પહોંચી કારને કોર્ડન કરી હતી. પોલીસથી બચવા આરોપીઓએ ટિયાગો કાર પીઆઈ એસ.એ. ગઢવીની ગાડી સાથે અથડાવી હતી અને ત્યારબાદ રિવર્સ ગિયરમાં કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પીઆઈ ગઢવીએ જીવના જોખમે ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓ તેમને આશરે 500 મીટર સુધી ઢસડતા લઈ ગયા હતા. જોકે, જોખમી પરિસ્થિતિમાં પણ પીઆઈ ગઢવીએ હિંમત દાખવી કારનો દરવાજો ખોલ્યો, સ્ટિયરિંગ પર કાબૂ મેળવ્યો અને ઇમરજન્સી હેન્ડબ્રેક ખેંચીને કાર અટકાવી દીધી હતી. ત્યારબાદ અન્ય પોલીસ કર્મચારીઓએ કારમાં સવાર આરોપીઓને ઝડપી લીધા હતા. આ દરમિયાન એક આરોપી ખેતરોમાં ભાગી જતાં પોલીસે કોર્ડન કરીને તેને પણ ઝડપી પાડ્યો હતો.
બલેનો કારના સીટ કવરમાંથી મળ્યું સોનું
પોલીસે મારુતિ બલેનો કારના સીટ કવરની અંદર છુપાવેલી હાલતમાં લૂંટાયેલું આશરે 2.90 કિલોગ્રામ સોનું કબજે કર્યું હતું. આ સોનાની અંદાજિત કિંમત ₹4 કરોડ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી ટાટા ટિયાગો અને મારુતિ બલેનો એમ બંને કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી લૂંટનો 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે, લૂંટ પાછળનું ચોક્કસ કારણ, આરોપીઓ વચ્ચેની ભૂમિકા અને અન્ય સંભવિત કડીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ પોલીસ ટીમને પાઠવ્યા અભિનંદન
આ સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ રેલવે પોલીસ, અમદાવાદ ગ્રામ્ય પોલીસની LCB અને વિરમગામ ટાઉન પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રૂટ મેપિંગ, નાકાબંધી અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના સંકલનથી પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી હતી. પીઆઈ એસ.એ. ગઢવીની બહાદુરી અને સમગ્ર પોલીસ ટીમની સતર્કતાને પગલે ચારેય આરોપીઓની ધરપકડ અને સંપૂર્ણ મુદ્દામાલની રિકવરી શક્ય બની હતી. આ સફળ કામગીરી બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશનમાં સામેલ તમામ પોલીસકર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




