Kheda : ચકલાસી નગરપાલિકાના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાનું રાજીનામું, દોઢ વર્ષમાં બીજા પ્રમુખે છોડ્યું પદ


Kheda
Kheda : ચકલાસી નગરપાલિકાના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાનું રાજીનામું, દોઢ વર્ષમાં બીજા પ્રમુખે છોડ્યું પદ


Kheda
Kheda : ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કલેક્ટરને સુપરત કર્યું છે. પ્રમુખ સામે ભાજપના જ સભ્યો સહિત કુલ 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક ભાજપમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
ભાજપના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
ચકલાસી નગરપાલિકામાં કુલ 28 બેઠકો છે. જેમાં ભાજપ પાસે 16, અપક્ષ પાસે 11 અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. ભાજપના 11 સભ્યો સહિત કુલ 22 સભ્યોએ પક્ષના જ પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે પ્રવિણસિંહ વાઘેલાએ રાજીનામું આપતાં નગરપાલિકાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પ્રવિણસિંહ વાઘેલાએ પોતાના રાજીનામાના પત્રમાં કુટુંબિક, સામાજિક અને અંગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે આશરે એક વર્ષ સુધી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ હોદ્દો છોડ્યો છે.
દોઢ વર્ષમાં ભાજપના બીજા પ્રમુખે આપ્યું રાજીનામું
ચકલાસી નગરપાલિકામાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપના બીજા પ્રમુખે રાજીનામું આપતાં પક્ષની આંતરિક સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. અગાઉ પ્રમુખ રહેલા ધર્મેશ વાઘેલાએ પણ માત્ર છ મહિનામાં જ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. તેમની સામે પણ નગરપાલિકાના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. હવે સતત બે પ્રમુખના રાજીનામા બાદ ચકલાસી નગરપાલિકામાં ભાજપ કોને પ્રમુખપદની જવાબદારી સોંપશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
નવા પ્રમુખ સામે મોટો પડકાર
હવે ભાજપ નવા પ્રમુખ તરીકે કોના પર વિશ્વાસ મૂકે છે અને નવા પ્રમુખ કેટલો સમય પદ પર ટકી શકે છે તે જોવું મહત્ત્વનું રહેશે. નગરપાલિકામાં પક્ષના સભ્યો વચ્ચે એકતા જાળવીને વહીવટી કામગીરી આગળ વધારવી નવા પ્રમુખ માટે મોટો પડકાર બની શકે છે.
આ પણ વાંચો : Jamnagar : હાપા માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાંની સિઝનની પ્રથમ આવક શરૂ, સારી ગુણવત્તાના મરચાં રૂપિયા 9,100 પ્રતિ મણના ભાવે વેચાયા





