Junagadh: ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની દહેશત, લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન રદ



Junagadh
Junagadh: ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની દહેશત, લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન રદ



Junagadh
Junagadh: વિશ્વપ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની અવરજવર જોવા મળતાં તંત્રની ચિંતા વધી છે. દીપડાની હાજરીને પગલે પ્રવાસીઓ અને મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે યોજાનારો લાઈટ એન્ડ સાઉન્ડ શોના ઉદ્ઘાટન કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે.
બે દિવસથી કિલ્લામાં દીપડાની અવરજવર
મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસથી ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે. દીપડાની હાજરીના કારણે કિલ્લા પરિસરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા
વન વિભાગે દીપડાને પકડવા માટે કિલ્લા વિસ્તારમાં પાંજરા સહિતની જરૂરી વ્યવસ્થા કરી છે. જોકે, દીપડો સતત સ્થળ બદલીને વન વિભાગની ટીમને થાપ આપી રહ્યો હોવાનું જાણવા મળે છે. ટીમ દ્વારા તેની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
હનુમાન મંદિર પાસે શિકારની ચર્ચા
સૂત્રો મુજબ, ઉપરકોટ કિલ્લામાં આવેલા હનુમાન મંદિરની આસપાસ દીપડાએ શિકાર કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે. આ વાતને પગલે કિલ્લા અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન રદ
ઉપરકોટ કિલ્લામાં નવનિર્મિત લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવા માટે આજે ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો અને આમંત્રિતોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ દીપડાની હાજરીને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે કાર્યક્રમ હાલ પૂરતો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વન વિભાગની લોકોને અપીલ
વન વિભાગ દ્વારા લોકોને ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. જ્યાં સુધી દીપડાને સુરક્ષિત રીતે પકડી લેવામાં ન આવે ત્યાં સુધી કિલ્લા વિસ્તારમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Junagadh: લીલીયા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાંથી ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ




