Junagadh News: જૂનાગઢમાં દારૂની રેડમાં બેદરકારી બદલ ASI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ


રેડના પડઘા હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પડ્યા
Junagadh News: જૂનાગઢમાં દારૂની રેડમાં બેદરકારી બદલ ASI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ


રેડના પડઘા હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પડ્યા
Junagadh News: જૂનાગઢ જિલ્લામાં દારૂના અડ્ડા પર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડના પડઘા હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પડ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ બીલખા પોલીસ સ્ટેશનના એક ASI અને એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
2 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, જૂનાગઢના બંધાળા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર ગત 19 નવેમ્બરના રોજ DIGP કચેરીના સ્ક્વોડ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક લિસ્ટેડ બુટલેગરના ઠેકાણેથી દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો આથો સહિત રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
દારૂના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો
રેન્જ પોલીસની આ કાર્યવાહીમાં દારૂના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા. આ મામલે બીલખા પોલીસ સ્ટેશનના સંબંધિત કર્મચારીઓ દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું ધ્યાને આવતાં પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત બીલખા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI દિલીપભાઈ માલદેભાઈ બેરિયા અને પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ મગનભાઈ વિસાવેલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને રેન્જ પોલીસે રેડ પાડી
દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સામે રેન્જ પોલીસની રેડ બાદ સ્થાનિક પોલીસ કર્મચારીઓ સામે થયેલી આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને લિસ્ટેડ બુટલેગરના ઠેકાણેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયા બાદ બે પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાએ પોલીસ વિભાગમાં ફરજ પ્રત્યેની જવાબદારી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેની દેખરેખને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: Mehsana News: ધોળા દિવસે પરિણીતાનું અપહરણ, ત્રણ ગાડીના ચાલક સહિત છ સામે ફરિયાદ




