Junagadh News: લીલી પરિક્રમા રૂટનું તંત્ર દ્વારા નિરીક્ષણ, પાણીની વ્યવસ્થા માટે નવા બોર બનાવાશે

Junagadh News: જૂનાગઢમાં આગામી લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પરિક્રમાના 36 કિલોમીટરના સમગ્ર રૂટનું કલેક્ટર, સાંસદ અને સાધુ-સંતો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Kunjan Shukla
Junagadh NewsJunagadh News

Junagadh News

Junagadh News: જૂનાગઢમાં આગામી લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પરિક્રમાના 36 કિલોમીટરના સમગ્ર રૂટનું કલેક્ટર, સાંસદ અને સાધુ-સંતો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિક્રમાર્થીઓ માટે રસ્તા, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાથી પરિક્રમા દરમિયાન પાણીની અછત સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બંધ પડેલા બોરને રિચાર્જ કરવાની કામગીરી પણ કરવામાં આવી

પરિક્રમાર્થીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે નવા બોર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉથી બંધ પડેલા બોરને રિચાર્જ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે જ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને અપીલ કરવામાં આવી છે.

વડીલો અને નાના બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી

આ નિરીક્ષણ દરમિયાન સંત મહેશગીરીએ જણાવ્યું હતું કે ગમે તેવી મુશ્કેલી હોય, પરંતુ શ્રદ્ધા સૌથી મોખરે હોય છે. બીજી તરફ કલેક્ટરે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ધરાવતા વડીલો અને નાના બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી છે. સાંસદે પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પ્રકૃતિ તથા પર્યાવરણનું જતન કરવા સૌને અનુરોધ કર્યો છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધુ ભક્તો પરિક્રમામાં જોડાય તેવી શક્યતા હોવાથી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. 36 કિલોમીટરના પરિક્રમા રૂટના રસ્તાઓનું સમારકામ અને સુધારણા પણ કરવામાં આવશે. વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા સંયુક્ત રીતે સમગ્ર આયોજનની સમીક્ષા કરવામાં આવી છે. આગામી 15 દિવસમાં પરિક્રમા સંબંધિત તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Export Promotion : ગુજરાતના નિકાસકારો માટે મોટી જાહેરાત, GEPCની સ્થાપનાને રાજ્ય સરકારની મંજૂરી