Gujarat Export Promotion : ગુજરાતના નિકાસકારો માટે મોટી જાહેરાત, GEPCની સ્થાપનાને રાજ્ય સરકારની મંજૂરી

Gujarat Export Promotion : ગુજરાતને વૈશ્વિક નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Vivek Shah
Vivek Shah
Gujarat Export Promotion ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલGujarat Export Promotion ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ

Gujarat Export Promotion ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ

Gujarat Export Promotion : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC) નામની વિશેષ હેતુવાળી સંસ્થા સ્થાપવાની મંજૂરી આપી છે. આ સંસ્થા દ્વારા રાજ્યના MSME એકમો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચવા માટે માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.

3 નવેમ્બર, 2026ના ઠરાવ અનુસાર GEPCની સ્થાપના કંપની અધિનિયમ, 2013ની કલમ-8 હેઠળ રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની બિનનફાકારક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવશે. તેનું રજિસ્ટર્ડ કાર્યાલય ગાંધીનગર ખાતે રહેશે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ આ પહેલ રાજ્યના નિકાસલક્ષી પ્રયાસોને સંસ્થાકીય માળખું પૂરું પાડશે.

MSME અને સ્ટાર્ટઅપ્સને મળશે વૈશ્વિક બજારમાં તક

GEPCનો મુખ્ય ઉદ્દેશ નાના અને મધ્યમ ઉદ્યોગો તથા સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડવાનો છે. ઘણા ઉદ્યોગો ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરતા હોવા છતાં વિદેશી બજારની માંગ, નિકાસ પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રોની જાણકારીના અભાવે નિકાસની તકો મેળવી શકતા નથી. GEPC આવા ઉદ્યોગોને માર્કેટિંગ, બિઝનેસ કન્સલ્ટન્સી, તાલીમ, મેન્ટરિંગ અને ટેક્નિકલ સહયોગ આપશે. વેપાર મેળા અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ તકો ઊભી કરવામાં આવશે.

રાજ્યના નિકાસ વિકાસને જિલ્લા સ્તરે પહોંચાડવા દરેક જિલ્લા માટે અલગ ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કરવામાં આવશે. તેમાં સ્થાનિક ઉત્પાદન ક્ષમતા, ઔદ્યોગિક વિશેષતાઓ, બજારની માંગ અને નિકાસની સંભાવનાઓનું વિશ્લેષણ કરાશે. આ રીતે સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા આયોજનબદ્ધ પ્રયાસો થશે.

AI, બ્લોકચેઇન અને ગ્રીન ટેક્નોલોજી પર ભાર

નિકાસ પ્રક્રિયાને આધુનિક બનાવવા AI, બ્લોકચેઇન, ડિજિટાઇઝેશન, ઇન્ડસ્ટ્રી 4.0 અને ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. નિકાસકારો માટે ટેસ્ટિંગ, સર્ટિફિકેશન, ટ્રેડ ફાઇનાન્સ, વીમા, લોજિસ્ટિક્સ અને ડિજિટલ ટ્રેડ પ્લેટફોર્મ જેવી સુવિધાઓ વિકસાવવાનો પણ ઉદ્દેશ છે. GEPC દ્વારા ગુજરાતનાં ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવામાં આવશે. સાથે જ પેટન્ટ, ટ્રેડમાર્ક, આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો અને કાનૂની પ્રશ્નોમાં પણ નિકાસકારોને માર્ગદર્શન મળશે.

કંપનીના બોર્ડમાં મુખ્ય સચિવ અધ્યક્ષ અને ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળશે. બોર્ડમાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આ નિર્ણયથી ગુજરાતના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવાની દિશામાં નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : AMRUT 2.0 Gujarat : ગુજરાતમાં AMRUT 2.0ની મોટી સફળતા, ₹4,832 કરોડનાં 497 વિકાસકાર્યો પૂર્ણ