Girnar Lili Parikramaને લઈ તંત્ર સજ્જ, કલેક્ટરે 35 કિમીના જંગલ રૂટનું કર્યું નિરીક્ષણ

Girnar Lili Parikrama: ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા દેવદિવાળીથી વિધિવત શરૂ થવાની છે, ત્યારે લાખો ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 26 Oct 2026 09:35 PM IST
Girnar Lili Parikramaને લઈ તંત્ર સજ્જ, કલેક્ટરે 35 કિમીના જંગલ રૂટનું કર્યું નિરીક્ષણGirnar Lili Parikramaને લઈ તંત્ર સજ્જ, કલેક્ટરે 35 કિમીના જંગલ રૂટનું કર્યું નિરીક્ષણ

Girnar Lili Parikrama

Girnar Lili Parikrama: ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા દેવદિવાળીથી વિધિવત શરૂ થવાની છે, ત્યારે લાખો ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જૂનાગઢના કલેક્ટરે ગિરનાર અભયારણ્યમાં પરિક્રમાના જંગલ માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર, વન વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કરી

ગિરનાર અભયારણ્યમાં આશરે 35 કિલોમીટરના રૂટ પર લીલી પરિક્રમા યોજાય છે. કલેક્ટરે સ્થળ નિરીક્ષણ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી તૈયારીઓની માહિતી મેળવી હતી. પરિક્રમા કરવા આવતા યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

પીવાના પાણી માટે બોર રિચાર્જ કરવા સૂચના

કલેક્ટરના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે ગિરનાર વિસ્તારમાં ઓછો વરસાદ થયો હોવાથી પીવાના પાણીની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હયાત બોરને રિચાર્જ કરવા અને જરૂરિયાત મુજબ નવા બોર બનાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને પીવાનું પાણી મળી રહે.

વન્ય પ્રાણીઓથી સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા

લીલી પરિક્રમા જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ, ટ્રેકર ટીમ અને રેસ્ક્યુ ટીમને તૈનાત રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે.

પાર્કિંગ, સફાઈ અને આરોગ્ય સેવાઓ પર ભાર

ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત સફાઈ, લાઇટિંગ, આરોગ્ય સેવાઓ અને ઇમરજન્સી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.

લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાથી તેમની સુરક્ષા માટે પોલીસ વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. વધુ સારી સંચાર વ્યવસ્થા જાળવવા માટે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

તંત્રની યાત્રાળુઓને અપીલ

લીલી પરિક્રમા દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રાળુઓને સહયોગ આપવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. યાત્રાળુઓની સુરક્ષા, સુવિધા અને પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : Junagadhથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ, પોલીસે હાથ ધરી વધુ તપાસ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.