Get News Alerts

Never miss breaking news updates.

Lion Safari: સિંહપ્રેમીઓ માટે ખુશખબર, ગીર જંગલ સફારી 12 દિવસ વહેલી શરૂ થશે

Lion Safari: એશિયાટિક સિંહોના દર્શન માટે સાસણ ગીરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જંગલ સફારી આ વર્ષે 12 દિવસ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Sep 2026 08:35 AM IST
Lion Safari: સિંહપ્રેમીઓ માટે ખુશખબર, ગીર જંગલ સફારી 12 દિવસ વહેલી શરૂ થશેLion Safari: સિંહપ્રેમીઓ માટે ખુશખબર, ગીર જંગલ સફારી 12 દિવસ વહેલી શરૂ થશે

Lion Safari

Lion Safari: એશિયાટિક સિંહોના દર્શન માટે સાસણ ગીરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન બંધ રહેતી ગીર જંગલ સફારી આ વર્ષે 12 દિવસ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રવાસીઓ 3 ઓક્ટોબરથી ગીર જંગલમાં સિંહ દર્શન કરી શકશે.

16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે ગીર

દર વર્ષે ચોમાસા દરમિયાન ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. સામાન્ય રીતે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીરના જંગલમાં પ્રવાસીઓ માટે સફારી બંધ રહે છે. આ સમયગાળા દરમિયાન જંગલમાં વરસાદ, કાચા રસ્તાઓની સ્થિતિ અને વન્યજીવોના સંવર્ધનને ધ્યાનમાં રાખીને પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહે છે.

આ વર્ષે 12 દિવસ વહેલી સફારી શરૂ થશે

આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા અને ગીર જંગલના કાચા રસ્તાઓ સારી સ્થિતિમાં હોવાથી વન વિભાગ દ્વારા સફારી વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નિયત સમય કરતાં 12 દિવસ વહેલા એટલે કે 3 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીર જંગલ સફારી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી સિંહપ્રેમીઓ અને વન્યજીવનના શોખીનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવરાત્રી પહેલા જ સિંહ દર્શનનો લાભ

ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રીના પર્વ પહેલા જ પ્રવાસીઓને સાસણ ગીરમાં સિંહ દર્શનનો લાભ મળશે. ગીર એ એશિયાટિક સિંહોનું વિશ્વમાં એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે, જેના કારણે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ ગીરની મુલાકાત લે છે.

સફારી વહેલી શરૂ થવાના કારણે આગામી તહેવારોની સિઝનમાં ગીર તરફ પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતા છે. વન વિભાગ દ્વારા સફારી શરૂ કરતા પહેલા જરૂરી વ્યવસ્થાઓ અને માર્ગોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ગીર સફારી 12 દિવસ વહેલી ખુલશે, 3 ઓક્ટોબરથી સિંહ દર્શન

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.