Rivaba Jadejaના જન્મદિવસે અનોખી સેવા પહેલ! 21 ‘સેવા સંકલ્પ’થી 21 હજારથી વધુ લોકોને મળશે લાભ



Rivaba Jadeja
Rivaba Jadejaના જન્મદિવસે અનોખી સેવા પહેલ! 21 ‘સેવા સંકલ્પ’થી 21 હજારથી વધુ લોકોને મળશે લાભ



Rivaba Jadeja
Rivaba Jadeja: ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી અને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે આ વખતે ઉજવણીને સેવાકાર્ય સાથે જોડવામાં આવી છે. 12 સપ્ટેમ્બરના રોજ રીવાબા જાડેજાના જન્મદિવસ નિમિત્તે ‘એકવિંશતિઃ સેવા સંકલ્પ – 21 સેવા સંકલ્પ’ અંતર્ગત વિવિધ 21 સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સેવાકીય અભિયાનથી અંદાજે 21 હજારથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભાન્વિત થશે.
શિક્ષણ ક્ષેત્રને અપાશે સૌથી વધુ પ્રાધાન્ય
આ સેવા સંકલ્પ અંતર્ગત જામનગરની વિવિધ શાળાઓમાં આશરે ₹15 કરોડના ખર્ચે હાથ ધરાયેલા શૈક્ષણિક અને માળખાકીય વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ 100 ટકા પરિણામ મેળવનાર સરકારી શાળાઓનું સન્માન તેમજ ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે. શાળા છોડી ચૂકેલા 300થી વધુ બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાવવાનો સંકલ્પ પણ લેવામાં આવશે.
હજારો વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય
સેવા સંકલ્પ અંતર્ગત જામનગરની 49 જેટલી શાળાઓના આશરે 14 હજાર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળાના ગણવેશ આપવામાં આવશે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલા રહેવા માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે.
15 હજારથી વધુ યુવાનો માટે રોજગારની તક
યુવાનોને રોજગાર સાથે જોડવા માટે વિશાળ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 45થી વધુ કંપનીઓની ભાગીદારી સાથે 15 હજારથી વધુ યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. શિક્ષણ બાદ યુવાનોને રોજગારની દિશામાં આગળ વધારવાનો આ સંકલ્પ પણ સેવા અભિયાનનો મહત્વનો ભાગ છે.
મહિલા કલ્યાણ અને આરોગ્ય માટે પણ પહેલ
મહિલા કલ્યાણને ધ્યાનમાં રાખીને 300 વિધવા મહિલાઓને સહાય કિટ આપવામાં આવશે. સાથે જ 200 ગર્ભવતી મહિલાઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે.
ખેલાડીઓથી લઈને શ્રમિકો સુધી સન્માન
રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. બીજી તરફ શ્રમિકોને સુરક્ષા પૂરી પાડવા માટે ₹15 લાખના વીમા કવચ જેવી પહેલ પણ કરવામાં આવી છે. આમ સેવા સંકલ્પમાં યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને શ્રમિકો સહિત સમાજના વિવિધ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે.
જન્મદિવસે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
જન્મદિવસની ઉજવણીને પર્યાવરણ સાથે જોડવા માટે પણ અનોખી પહેલ કરવામાં આવી છે. જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 5 સપ્ટેમ્બરે જન્મેલા બાળકોની સંખ્યા જેટલા વૃક્ષોનું રોપણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ રીતે જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ ન રાખીને શિક્ષણ, રોજગાર, મહિલા કલ્યાણ, રમતગમત, પર્યાવરણ અને સમાજસેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમ 12 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે જામનગરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે યોજાશે.






