Gujarat Data Center Policy 2026-29: ગુજરાત બનશે દેશનું અગ્રણી ‘ડેટા સેન્ટર હબ’! 7.5 GWનું લક્ષ્ય, 51% ગ્રીન એનર્જી ફરજિયાત



Gujarat Data Center Policy 2026-29
Gujarat Data Center Policy 2026-29: ગુજરાત બનશે દેશનું અગ્રણી ‘ડેટા સેન્ટર હબ’! 7.5 GWનું લક્ષ્ય, 51% ગ્રીન એનર્જી ફરજિયાત



Gujarat Data Center Policy 2026-29
Gujarat Data Center Policy 2026-29: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યને દેશના અગ્રણી ડેટા સેન્ટર હબ તરીકે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ અંતર્ગત રાજ્યમાં 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ વિકસાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ નીતિનો મુખ્ય હેતુ AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ન્યૂ જનરેશન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતને અગ્રણી બનાવવાનો છે. નીતિ હેઠળ આશરે ₹6 લાખ કરોડના રોકાણને આકર્ષવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.
AIના યુગમાં ગુજરાતની ડિજિટલ છલાંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે આ નીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતને વૈશ્વિક ક્લાઉડ તથા AI હબ બનાવવાના વિઝનને આગળ ધપાવશે. ડિજિટલ અર્થતંત્રમાં ડેટા સેન્ટર્સનું મહત્વ સતત વધી રહ્યું છે ત્યારે ગુજરાતે આ ક્ષેત્ર માટે અલગ નીતિ બનાવીને મોટા રોકાણકારો અને વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
ડેટા સેન્ટર્સમાં 51% ગ્રીન એનર્જી ફરજિયાત
નવી નીતિની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક સસ્ટેનેબિલિટી છે. નીતિ હેઠળ પાત્ર ડેટા સેન્ટર્સ માટે કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછી 51% વીજળી ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. એટલે કે AI અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સાથે પર્યાવરણ પરનો બોજ ઘટાડવા માટે ગ્રીન એનર્જી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
ખેડૂતોના પાણી પર નહીં, ડીસેલીનેશનથી થશે પાણીની વ્યવસ્થા
ડેટા સેન્ટર્સમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂક્યો છે. દરિયાના પાણીને મીઠું કરીને ડેટા સેન્ટર્સ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં નીતિ તૈયાર કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ ખેડૂતો અથવા અન્ય ઉદ્યોગોના પાણીના ભોગે ડેટા સેન્ટર માટે પાણીની વ્યવસ્થા ન કરવાનો છે. કેપ્ટિવ ડીસેલીનેશન પ્લાન્ટ માટે પણ નીતિમાં સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
રોકાણકારો માટે અનેક પ્રોત્સાહનો
ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સને આકર્ષવા માટે રાજ્ય સરકારે વિવિધ નાણાકીય અને પ્રક્રિયાત્મક પ્રોત્સાહનો જાહેર કર્યા છે. તેમાં સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ, સિંગલ-વિન્ડો આધારિત મંજૂરી વ્યવસ્થા, વીજળી સંબંધિત સહાય અને વ્યાજ સહાય જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. નીતિ હેઠળ મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નોડલ અધિકારીઓ અને ઓનલાઈન સિંગલ-વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.
ધોલેરા બનશે ડેટા સેન્ટરનું મોટું કેન્દ્ર
ડેટા સેન્ટર નીતિમાં ધોલેરા પર ખાસ ફોકસ રાખવામાં આવ્યો છે. ધોલેરાને મોટા હાઇપરસ્કેલ અને AI ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ માટે વિકસાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. નીતિ જાહેર થયા બાદ તેની 7.5 GWની ક્ષમતા સામે દેશ-વિદેશની કંપનીઓ તરફથી આશરે 10 GW ક્ષમતાના પ્રસ્તાવ/રિક્વેસ્ટ લેટર્સ મળ્યા હોવાનો રાજ્ય તરફથી દાવો કરવામાં આવ્યો છે.
સાણંદ-ધોલેરા બાદ હવે ડેટા સેન્ટર અને AI પર નજર
સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર તથા હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ માટેનું ઈકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહ્યું છે. હવે ડેટા સેન્ટર નીતિથી આ સમગ્ર પટ્ટામાં AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ મળવાની અપેક્ષા છે. ખાસ કરીને ધોલેરા ભવિષ્યમાં મોટા ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સનું કેન્દ્ર બની શકે છે.
ગુજરાત માટે નવી ડિજિટલ ઈકોનોમીની શરૂઆત
7.5 GW ડેટા સેન્ટર ક્ષમતા અને મોટા રોકાણના લક્ષ્યાંક સાથે ગુજરાતે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં લાંબા ગાળાની દિશા નક્કી કરી છે. જો પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ સમયસર અમલમાં આવે તો રોજગાર, ટેક્નોલોજી, AI, ક્લાઉડ સર્વિસિસ અને ડિજિટલ અર્થતંત્રમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બની શકે છે. આ નીતિ માત્ર રાજ્યના ડેટા સેન્ટર ક્ષેત્રને નહીં પરંતુ ભારતના ન્યૂ જનરેશન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.






