Jamnagar News: દિવાળી વેકેશનમાં વહેલી શાળાઓ શરૂ કરાશે તો NSUI આવશે મેદાને, હેલ્પલાઈન શરૂ કરવાની માગ

Jamnagar News: ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિવાળી વેકેશનના સમયપત્રકનું જિલ્લાની તમામ શાળાઓમાં ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવી માગ સાથે યુવા કોંગ્રેસ અને NSUI મેદાને આવ્યા છે.
Kunjan Shukla
Jamnagar Diwali 2026 Vacation NewsJamnagar Diwali 2026 Vacation News

Jamnagar Diwali 2026 Vacation News

Jamnagar News: જામનગર જિલ્લામાં દિવાળી વેકેશનને લઈને વિવાદ ઉભો થયો છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિવાળી વેકેશનના સમયપત્રકનું જિલ્લાની તમામ શાળાઓમાં ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવી માગ સાથે યુવા કોંગ્રેસ અને NSUI મેદાને આવ્યા છે. વેકેશન પૂર્ણ થાય તે પહેલાં કેટલીક શાળાઓ શરૂ કરવાની તૈયારી સામે NSUIએ વાંધો ઉઠાવ્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરીને સરકારી નિયમોનું પાલન કરાવવા અને નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને સંપૂર્ણ રજા મળવી જોઈએ

NSUIના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વેકેશનના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સંપૂર્ણ રજા મળવી જોઈએ. તેમ છતાં જો કોઈ શાળા સરકારી સમયપત્રકની અવગણના કરીને વેકેશન દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરે તો તે યોગ્ય નથી. આવી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

હેલ્પલાઈન નંબર જાહેર કરવાની માગ

આ ઉપરાંત વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખવામાં આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ફરિયાદ ક્યાં અને કોને કરી શકે તેવો પ્રશ્ન પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. આ માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જેથી કોઈપણ શાળા સરકારી સૂચનાનો ભંગ કરે તો વાલીઓ અને વિદ્યાર્થીઓ સરળતાથી તેની ફરિયાદ નોંધાવી શકે.

યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા જામનગર જિલ્લાની તમામ શાળાઓને દિવાળી વેકેશનની નિર્ધારિત તારીખોનું પાલન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને તહેવાર દરમિયાન પરિવાર સાથે સમય વિતાવવા અને વેકેશનનો સંપૂર્ણ લાભ મળી રહે તે આ રજૂઆતનો મુખ્ય હેતુ હોવાનું જણાવાયું છે. હવે શિક્ષણ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: Jamnagar News: ભીડભરી બજારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા બંદોબસ્તની તૈયારી તેજ