Jamnagar Wall Collapse: દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના, એક શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત

Jamnagar Wall Collapse: જામનગર શહેરમાં ગીતા મંદિર નજીક આવેલી મહાવીર સોસાયટીમાં દીવાલ ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 06:20 PM IST
Jamnagar Wall Collapse: દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના, એક શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્તJamnagar Wall Collapse: દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના, એક શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત

Jamnagar Wall Collapse

Jamnagar Wall Collapse: જામનગર શહેરમાં ગીતા મંદિર નજીક આવેલી મહાવીર સોસાયટીમાં દીવાલ ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જૂની દીવાલ તોડીને નવું બાંધકામ કરવાની કામગીરી દરમિયાન અચાનક જર્જરિત દીવાલ તૂટી પડતાં ત્રણ શ્રમિકો તેની નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ

મળતી માહિતી મુજબ, મહાવીર સોસાયટી વિસ્તારમાં જૂની દીવાલ તોડીને તેના સ્થાને નવી દીવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન દીવાલની સ્થિતિ જર્જરિત હોવાને કારણે અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ તૂટી પડતા નજીકમાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

બાંધકામ સ્થળે સલામતીના પગલાં અંગે ફરી સવાલો ઊભા થયા

આ દુર્ઘટનામાં એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ફાયરબ્રિગેડની ટીમે જરૂરી બચાવ કામગીરી પૂર્ણ કરી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બાંધકામની કામગીરી દરમિયાન જર્જરિત દીવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી આ દુર્ઘટનાએ કામદારોની સુરક્ષા અને બાંધકામ સ્થળે સલામતીના પગલાં અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. ઘટનાને લઈને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Mehsana News: ખેરાલુના થાંગણા ગામમાં પ્રેમસંબંધમાં યુવકની કરાઈ કરપીણ હત્યા, પોલીસે ચાર લોકો સામે નોંધ્યો ગુનો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.