Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar News: ગટરની સમસ્યા ઉકેલનારને રૂપિયા 5,555નું ઈનામ! ભાજપના કોર્પોરેટરનું અનોખું એલાન

Jamnagar News: શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે મહાનગરપાલિકાના તંત્ર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 05:44 PM IST
Jamnagar News: ગટરની સમસ્યા ઉકેલનારને રૂપિયા 5,555નું ઈનામ! ભાજપના કોર્પોરેટરનું અનોખું એલાનJamnagar News: ગટરની સમસ્યા ઉકેલનારને રૂપિયા 5,555નું ઈનામ! ભાજપના કોર્પોરેટરનું અનોખું એલાન

Jamnagar News

Jamnagar News: શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે મહાનગરપાલિકાના તંત્ર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નંબર 11માં આવેલી સિન્ડિકેટ સોસાયટીની શેરી નંબર 3 અને શ્યામ ટાઉનશીપમાં છેલ્લા 6થી 7 વર્ષથી ગટર બ્લોક રહેતી હોવાનો દાવો કરતાં તેમણે સમસ્યાનો કાયમી ઉકેલ લાવનાર મનપાના એન્જિનિયર અથવા કોન્ટ્રાક્ટરને પોતાના તરફથી રૂપિયા 5,555નું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

સ્થાનિક રહેવાસીઓને લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો

કોર્પોરેટર પ્રકાશ રાઠોડના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓને લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર નિરીક્ષણ અને રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ગટરનું ગંદુ પાણી ભરાવાને કારણે તેને ટાંકા મારફતે ખેંચવાની ફરજ પડતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખાયો

આ પહેલાં પણ કોર્પોરેટરે ગટરની સમસ્યા ઉકેલનારને રૂપિયા 1,111નું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. જોકે, તેમના આક્ષેપ મુજબ, ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. પરિણામે હવે ઇનામની રકમ વધારીને રૂપિયા 5,555 કરવામાં આવી છે. ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવનાર મહાનગરપાલિકાના એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરને આ રકમ આપવામાં આવશે.

આ મામલે પ્રકાશ રાઠોડે જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે અને સ્થાનિક રહેવાસીઓને ગંદકી તથા અસુવિધામાંથી રાહત મળે તેવી માગ કરવામાં આવી છે. હવે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.

આ પણ વાંચો: Ahmedabad: શાહીબાગમાં દારૂના કથિત કટિંગ મામલે SMCનું ફાયરિંગ, શખ્સો ગાડી લઈને ફરાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.