Jamnagar Nakli Ghee Factory : જામનગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ, 932 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયું

Jamnagar Nakli Ghee Factory : જામનગર જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Jamnagar Nakli Ghee Factory જામનગરમાં નકલી ઘીની ફેકટરી ઝડપાઈJamnagar Nakli Ghee Factory જામનગરમાં નકલી ઘીની ફેકટરી ઝડપાઈ

Jamnagar Nakli Ghee Factory જામનગરમાં નકલી ઘીની ફેકટરી ઝડપાઈ

Jamnagar Nakli Ghee Factory : જામનગરના રવાણી ખીજડીયા ગામની સીમમાં ચાલતી કથિત નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન અંદાજે 932 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 5,77,840 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

સ્થળ પરથી 200 MLના કુલ 2160 ડબ્બા મળી આવ્યા હતા. આ ડબ્બાઓ પર "KT Bandhan Cows Pure Ghee"ના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે અહીં ઘીના નામે ભેળસેળયુક્ત અથવા બનાવટી ઉત્પાદન તૈયાર કરી વેચાણ માટે મોકલવામાં આવતું હતું.

FSLમાં ઘીને ટેસ્ટ માટે મોકલાયું

દરોડા દરમિયાન સ્થળ પર મનસુખભાઈ દેશાભાઈ ખીમસુરિયા હાજર મળી આવ્યા હતા. જ્યારે ભરતભાઈ દેશાભાઈ ખીમસુરિયાનું નામ પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.

વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ ઘીના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘીની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થઈ છે કે નહીં તે અંગે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે.

500 લીટર ઘીનો જથ્થો નાશ કરવામાં આવ્યો

આ ઉપરાંત સ્થળ પર અંદાજે 500 લીટર ઘીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર કાર્યવાહી PI આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ એસ. જાડેજા, હરદેવસિંહ એમ. ઝાલા, ASI નિર્મળસિંહ બી. જાડેજા અને ચેતનભાઈ આર. ઘાઘરેટીયાને મળેલી બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાલ પોલીસ દ્વારા શંકાસ્પદ ઘીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઘી ક્યાંથી તૈયાર કરવામાં આવતું હતું, ક્યાં વેચાણ માટે મોકલાતું હતું અને આ કથિત કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસ હેઠળ છે.

આ પણ વાંચો : KashtbhanjanDev Hanumanji : તુલસી વિવાહ નિમિત્તે સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવનો ભવ્ય શણગાર, મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો