Gujarat IAS Transfer: ગુજરાતમાં 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો, મહેસાણા કલેક્ટરથી લઈને માહિતી નિયામક સુધી ફેરફાર

Gujarat IAS Transfer: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યમાં વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 23 Oct 2026 06:12 PM IST
Gujarat IAS Transfer: ગુજરાતમાં 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો, મહેસાણા કલેક્ટરથી લઈને માહિતી નિયામક સુધી ફેરફારGujarat IAS Transfer: ગુજરાતમાં 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો, મહેસાણા કલેક્ટરથી લઈને માહિતી નિયામક સુધી ફેરફાર

Gujarat IAS Transfer

Gujarat IAS Transfer: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યમાં વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. આદેશમાં કુલ 17 IAS અધિકારીઓની બદલી, નવી નિમણૂક અને વધારાનો હવાલો સોંપવા અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

જી.ટી. પંડ્યાને માહિતી નિયામકની જવાબદારી

શિક્ષણ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા જી.ટી. પંડ્યાની ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આલોક કુમાર પાંડેને રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

મહેસાણા અને વાવ-થરાદમાં નવા કલેક્ટર

મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિની ગ્રામ વિકાસ કમિશનર કચેરીમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમના સ્થાને ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેની વાવ-થરાદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમના સ્થાને રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે.

આણંદ, કચ્છ અને અન્ય જિલ્લાઓમાં ફેરફાર

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીને ધોલેરા એસઆઈઆર અને માંડલ-બેચરાજી એસઆઈઆરના વિશેષ પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા માટે તેમની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગને સોંપવામાં આવી છે. તેમના સ્થાને ઉત્સવ ગૌતમને આણંદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી તરીકે અતિરાગ ચપલોતની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સ્વપ્નિલ મહાદેવ સિસેને જવાબદારી સોંપવામાં આવી છે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે વંદના મીનાની નિમણૂક કરવામાં આવી છે.

અમરેલી સહિત અન્ય વિભાગોમાં પણ નવી જવાબદારીઓ

રાજેશ કુમાર મૌર્યને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. ઓમકાર રાજેન્દ્ર શિંદેને છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સચિન કુમારને ગૃહ વિભાગમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત ઉપસચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત ગૌરાંગભાઈ એચ. મકવાણાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સાથે ઇન્ડેક્સ-બીના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. બી.એન. પટેલને ગુજરાત ગેસ લિમિટેડમાંથી રમતગમત સત્તામંડળ ગુજરાતના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને સોંપવામાં આવ્યા છે.

આ આદેશથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં વહીવટી જવાબદારીઓમાં ફેરફાર થશે. સંબંધિત અધિકારીઓની નવી નિમણૂકો અને વધારાના હવાલા અંગેની વિગતો સરકારના નોટિફિકેશનમાં દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો : Sabarkantha: ક્વોરી બ્લાસ્ટિંગથી બાળકોના જીવ જોખમમાં? ઇકો કારનો કાચ તૂટતાં વાલીઓમાં રોષ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.