Finance Olympiad 2026 ગિફ્ટ સિટી અને આઈઆઈએમ બેંગ્લોર યોજશે, વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક નાણાકીય પડકારો ઉકેલવાની તક

Finance Olympiad 2026: ગુજરાતના ગિફ્ટ સિટી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લોરના સંયુક્ત સહયોગથી ‘ગિફ્ટ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ – નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરવામાં આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 23 Oct 2026 03:53 PM IST
Finance Olympiad 2026 ગિફ્ટ સિટી અને આઈઆઈએમ બેંગ્લોર યોજશે, વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક નાણાકીય પડકારો ઉકેલવાની તકFinance Olympiad 2026 ગિફ્ટ સિટી અને આઈઆઈએમ બેંગ્લોર યોજશે, વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક નાણાકીય પડકારો ઉકેલવાની તક

Finance Olympiad 2026

Finance Olympiad 2026: ગુજરાતના ગિફ્ટ સિટી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લોરના સંયુક્ત સહયોગથી ‘ગિફ્ટ ફાઇનાન્સ ઓલિમ્પિયાડ – નેશનલ સ્ટુડન્ટ કેસ ચેલેન્જ 2026’નું આયોજન કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (ગિફ્ટ આઈએફએસસી) સાથે જોડાયેલા વાસ્તવિક નાણાકીય પડકારોનો અભ્યાસ કરવાની અને તથ્યો તથા સંશોધનના આધારે વ્યવહારુ ઉકેલો રજૂ કરવાની તક આપવાનો છે. આ આયોજન આઈઆઈએમ બેંગ્લોરના સેન્ટર ફોર કેપિટલ માર્કેટ્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટના સહયોગથી કરવામાં આવશે.

દેશભરના અનુસ્નાતક વિદ્યાર્થીઓ લઈ શકશે ભાગ

ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી અથવા બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરતા અનુસ્નાતક વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વિષયની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. દરેક ટીમમાં ચાર વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે. વિવિધ શૈક્ષણિક વિષયોના વિદ્યાર્થીઓને એકસાથે ટીમ બનાવી ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાશે. તેમાં રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન કેસ ચેલેન્જ, ચાર શહેરોમાં પ્રાદેશિક ફાઇનલ અને ત્યારબાદ ગ્રાન્ડ ફિનાલેનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે અરજી અને સબમિશનની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે.

બે મહત્ત્વપૂર્ણ વિષયો પર વિશ્લેષણ

સ્પર્ધામાં ભાગ લેનારી ટીમો બેમાંથી કોઈ એક વિષય પસંદ કરી શકશે.

માર્કેટ્સ એન્ડ પ્રોડક્ટ ડિઝાઇન: ગિફ્ટ આઈએફએસસી મારફતે વૈશ્વિક રોકાણકારો માટે ભારતની મોટી કંપનીઓ સાથે સંકળાયેલા સિંગલ-સ્ટોક ફ્યુચર્સ શરૂ કરવાની દરખાસ્તનું વિશ્લેષણ કરવાનું રહેશે.

ઇન્સ્ટિટ્યૂશનલ સ્ટ્રેટેજી એન્ડ ગવર્નન્સ: ગિફ્ટ આઈએફએસસીમાં કાર્યરત એક્સચેન્જો અને ક્લિયરિંગ કોર્પોરેશનો વૈશ્વિક એક્સચેન્જો, કસ્ટોડિયન્સ તથા અન્ય બજાર સંસ્થાઓ સાથેની ભાગીદારીનું મૂલ્યાંકન કેવી રીતે કરે અને તેને યોગ્ય સ્વરૂપ કેવી રીતે આપે, તેના પર ધ્યાન આપવાનું રહેશે.

દિલ્હીથી મુંબઈ સુધી યોજાશે પ્રાદેશિક ફાઇનલ

પ્રાદેશિક ફાઇનલનું આયોજન નીચે મુજબ કરવામાં આવશે:

- 21 નવેમ્બર, 2026 – દિલ્હી

- 28 નવેમ્બર, 2026 – બેંગાલુરુ

- 30 નવેમ્બર, 2026 – કોલકાતા

- 5 ડિસેમ્બર, 2026 – મુંબઈ

દરેક શહેરમાં પસંદ કરાયેલી ટીમોએ સ્થળ પર યોજાનારા કેસ રાઉન્ડમાં ભાગ લેવો પડશે. તેમાં લાઇવ પ્રેઝન્ટેશન અને જ્યુરીના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક શહેરની વિજેતા ટીમ ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવશે. અંતિમ તબક્કામાં ટીમોએ વધુ વિસ્તૃત કેસનો અભ્યાસ કરીને પોતાની ભલામણો રજૂ કરવાની રહેશે.

મૂલ્યાંકનમાં વ્યવહારુ ઉકેલો પર ભાર

સ્પર્ધામાં રજૂ કરાયેલા ઉકેલોનું મૂલ્યાંકન વિશ્લેષણની ગુણવત્તા, વ્યૂહાત્મક ઊંડાણ, અમલીકરણની શક્યતા, જોખમોની સમજ અને વિવિધ વિકલ્પોના ફાયદા-ગેરફાયદાના આધારે કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ સંશોધન અને લેખન માટે કૃત્રિમ બુદ્ધિ (એઆઈ) સાધનોનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેનો ઉપયોગ કર્યો હોય તો તેની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓની પોતાની વિચારશક્તિ અને સ્વતંત્ર વિશ્લેષણને મહત્ત્વ આપવામાં આવશે.

આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક નાણાકીય બજારો, નવી નાણાકીય પ્રોડક્ટ્સ, સંસ્થાકીય ભાગીદારી, નિયમનકારી પ્રક્રિયાઓ અને સુશાસન સંબંધિત વાસ્તવિક પડકારો સમજવાની તક મળશે. સાથે જ, ગિફ્ટ આઈએફએસસીને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદરૂપ થઈ શકે તેવા વ્યવહારુ વિચારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાતમાં વહેલી વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા? તુષાર ચૌધરીના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.