Gujarat : GSECL અને NPCIL વચ્ચે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર, 1 લાખ કરોડના રોકાણની દિશામાં મહત્વપૂર્ણ પગલું


Gujarat
Gujarat : GSECL અને NPCIL વચ્ચે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર, 1 લાખ કરોડના રોકાણની દિશામાં મહત્વપૂર્ણ પગલું


Gujarat
Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે નવીનતમ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પહેલ હાથ ધરાઈ છે. ગુજરાતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની તથા સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જાના વિકાસને વેગ આપવાની દિશામાં રાજ્ય સરકારે આજે મહત્વપૂર્ણ પહેલ કરી છે અને છ દાયકાથી વધુ સમય બાદ ગુજરાતની ધરતી પર નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના મંડાણ થવા જઈ રહ્યાં છે.
MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
આ દિશામાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે ગુજરાતમાં નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અને GSECLના ચેરમેન અશ્વિની કુમાર (IAS) તથા NPCILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વી. રાજેશની ઉપસ્થિતિમાં આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ તમામ પરમાણુ પ્રોજેક્ટ્સ 'શાંતિ એક્ટ, 2025' અંતર્ગત સંચાલિત થશે, જેના નિયમો તાજેતરમાં 14 ઑગસ્ટ 2026ના રોજ પ્રકાશિત કરાયા છે. આ સુરક્ષા કાયદા અન્વયે પરમાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ, ઈંધણ ઉત્પાદન અને પરમાણુ સામગ્રીના સંચાલન માટે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા સરકારી વિભાગો, કંપનીઓ અથવા સંયુક્ત સાહસો માટે જ લાઈસન્સ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ધુવારણ ખાતે આશરે 4000 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ
આ MoUની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે ગુજરાત સરકારની વીજ ઉત્પાદન કંપની GSECL પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં પ્રવેશ કરશે. ગુજરાતે સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કર્યા બાદ હવે ન્યુક્લિયર ઊર્જાના ક્ષેત્રે પણ પહેલ કરી છે. આ કરાર ગુજરાતની ઊર્જા યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે અને રાજ્યને સ્વચ્છ તથા સ્થિર બેઝલોડ વીજળી ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટથી ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં આશરે 4000 મેગાવોટનો નોંધપાત્ર વધારો થશે અને આનાથી આશરે રૂ.1 લાખ કરોડનું સંભવિત રોકાણ થશે. આ પ્રોજેક્ટથી રોજગારી, ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેમજ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને ભારતના નેટ ઝીરો લક્ષ્યને બળ મળશે તથા ગુજરાતની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા વધુ મજબૂત બનશે.
નવીનીકરણીય ઊર્જાને મળશે પૂરક આધાર
ગુજરાતે વર્ષ-2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સૌર અને પવન ઊર્જા કુદરતી પરિબળો પર આધારિત હોવાથી વીજ ગ્રીડની સ્થિરતા માટે સતત ઉપલબ્ધ વીજ ઉત્પાદનના સ્રોતોનું મહત્વ વધે છે. ન્યુક્લિયર ઊર્જા સતત અને વિશ્વસનીય વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવતી હોવાથી તે નવીનીકરણીય ઊર્જાને પૂરક બની શકે છે. આ MoU હેઠળ GSECL એ જમીન તથા સહાયક માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન હાથ ધરવાનું રહેશે અને NPCIL દ્વારા સ્થળ સર્વેક્ષણ, તકનીકી અભ્યાસ અને જરૂરી નિષ્ણાત માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. આગામી તબક્કાની કામગીરી સ્થળની તકનીકી અને આર્થિક વ્યવહારિકતા તથા જરૂરી વૈધાનિક મંજૂરીઓના આધારે નક્કી કરવામાં આવશે. આ પહેલ ગુજરાતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની સાથે સ્વચ્છ, વિશ્વસનીય અને ઓછા કાર્બન ઉત્સર્જનવાળી ઊર્જા વ્યવસ્થાના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. GSECL અને NPCILનું આ ઐતિહાસિક જોડાણ “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ઊર્જા ક્રાંતિનું નવું પ્રકરણ લખશે.
આ પણ વાંચો : Suratમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષ, બમરોલી બ્રિજ નજીક બાઇકસવાર રસ્તા પર પટકાયો




