Gujarat Government Agriculture Scheme: આદિજાતિ ખેડૂતો માટે મોટો નિર્ણય, હવે ખરીફની જેમ રવિ પાક માટે પણ મળશે બિયારણ અને ખાતરની સહાય


Gujarat tribal farmers rabi crop agriculture scheme આદિજાતિ ખેડૂત સહાય
Gujarat Government Agriculture Scheme: આદિજાતિ ખેડૂતો માટે મોટો નિર્ણય, હવે ખરીફની જેમ રવિ પાક માટે પણ મળશે બિયારણ અને ખાતરની સહાય


Gujarat tribal farmers rabi crop agriculture scheme આદિજાતિ ખેડૂત સહાય
Gujarat Government Agriculture Scheme: ગુજરાતના આદિજાતિ ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હવે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખરીફ ઋતુની જેમ રવિ ઋતુમાં પણ ખેડૂતોને બિયારણ અને ખાતરની કિટ આપવામાં આવશે. ચાલુ વર્ષ દરમિયાન રાજ્યના 48,190 આદિજાતિ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ માટે રાજ્યના આદિજાતિ વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં બિયારણ અને ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
પ્રથમ વખત રવિ પાક માટે પણ યોજનાનો લાભ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2012થી આદિજાતિ ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખરીફ ઋતુમાં ખેડૂતોને બિયારણ અને ખાતરની સહાય આપવામાં આવતી હતી. હવે વર્ષ 2026-27થી રવિ ઋતુ માટે પણ આ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત રવિ ઋતુ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી 48,190 ખેડૂતોને લાભ આપવામાં આવશે.
અત્યાર સુધી 15.70 લાખ ખેડૂતોને મળ્યો લાભ
આ યોજના શરૂ થયા બાદ અત્યાર સુધીમાં અંદાજે 15.70 લાખ આદિજાતિ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. યોજનાનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોમાં ખેતીની ઉત્પાદકતા વધારવાનો, ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવાનો અને પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાનો છે. ખેડૂતોને પસંદ કરેલા પાક પ્રમાણે બિયારણ અને ખાતરની કિટ પૂરી પાડવામાં આવે છે.
સાત જિલ્લાઓમાં ઘઉં, ચણા અને મકાઈના બિયારણની સહાય
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને મુખ્ય પાક તરીકે ઘઉં, ચણા અને મકાઈ પૈકી કોઈ એક પાકનું બિયારણ આપવામાં આવશે. તેની સાથે ટામેટા, ભીંડા અને રીંગણનું બિયારણ પણ મળશે.આ ઉપરાંત ખાતર તરીકે પ્રોમની 50 કિલોની એક બેગ, એમોનિયમ સલ્ફેટની 50 કિલોની એક બેગ અને એન.પી.કે. કોન્સોર્ટિયાની એક બોટલ આપવામાં આવશે.
સાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શાકભાજીના બિયારણની સહાય
નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ખેડૂતોને ભીંડા, ટામેટા, દૂધી અને કાકડી પૈકીના પાકનું બિયારણ આપવામાં આવશે. સાથે રીંગણ અને બ્રોકલીનું બિયારણ પણ મળશે.
આ જિલ્લાઓમાં પણ ખાતર તરીકે પ્રોમની 50 કિલોની એક બેગ, એમોનિયમ સલ્ફેટની 50 કિલોની એક બેગ અને એન.પી.કે. કોન્સોર્ટિયાની એક બોટલ આપવામાં આવશે.
એક એકર જમીન માટે જરૂરી બિયારણ અને ખાતર
યોજના હેઠળ પસંદ કરેલા પાક પ્રમાણે એક એકર જમીનમાં વાવેતર માટે જરૂરી બિયારણ અને ખાતરનો જથ્થો આપવામાં આવશે. આ સહાયથી ખેડૂતોને ખેતીના પ્રારંભિક ખર્ચમાં રાહત મળશે અને વિવિધ પાકનું વાવેતર કરવા પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત લાભાર્થી ખેડૂતોને ખેતી અંગેની તાલીમ, માર્કેટ લિંકેજની સેવાઓ અને ફોન તથા મેસેજ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
ઓનલાઇન પોર્ટલથી પસંદગીની પ્રક્રિયા પારદર્શક બની
આદિજાતિ ખેડૂતોને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. વર્ષ 2022-23થી આ પોર્ટલ તમામ આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત છે. તેના કારણે ખેડૂતો અરજીથી લઈને લાભની મંજૂરી સુધીની પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરી શકે છે. હવે યોજનાનો લાભ મેળવવા માટે સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવાની જરૂર રહેતી નથી.
આ નિર્ણયથી રાજ્યના આદિજાતિ ખેડૂતોને ખરીફની સાથે રવિ ઋતુમાં પણ ખેતી માટે સહાય મળશે. સરકારનો આશય ખેડૂતોની આવક વધારવા, ખેતીને વધુ ઉત્પાદક બનાવવા અને આદિવાસી વિસ્તારોમાં કૃષિ વિકાસને વેગ આપવાનો છે.




