GIPCA Convocation: ગુજરાતમાં 538 જેલ સહાયકે લીધા શપથ, GIPCA ખાતે દીક્ષાંત પરેડ યોજાઈ

GIPCA Convocation: ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગની તાલીમ સંસ્થા GIPCA ખાતે જેલ સહાયકોની 20મી બેચનો ભવ્ય દીક્ષાંત પરેડ અને શપથ સમારોહ યોજાયો હતો.
Kunjan Shukla
GIPCA ConvocationGIPCA Convocation

GIPCA Convocation

GIPCA Convocation: ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગની તાલીમ સંસ્થા GIPCA ખાતે જેલ સહાયકોની 20મી બેચનો ભવ્ય દીક્ષાંત પરેડ અને શપથ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 60 મહિલા અને 478 પુરુષ સહિત કુલ 538 તાલીમાર્થીઓ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી પાસઆઉટ થયા હતા. આ પ્રસંગે જેલ અને સુધારાત્મક વહીવટના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ઉપસ્થિત રહી તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

શું કહ્યું ડોક્ટર કે.એલ.એન.રાવે?

સમારોહને સંબોધતા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, યુનિફોર્મધારી કર્મચારીઓ માટે દીક્ષાંત સમારોહ તેમની તાલીમનો સૌથી મહત્ત્વપૂર્ણ અવસર હોય છે. તેમણે તાલીમાર્થીઓની સાથે તેમના પરિવારો, પ્રશિક્ષકો અને સંસ્થાના પ્રિન્સિપાલને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પોલીસ, અદાલતો અને જેલ વિભાગ એમ ત્રણ મુખ્ય સ્તંભો પર કાર્ય કરે છે. જેલ વિભાગની જવાબદારી માત્ર બંદીવાનોની દેખરેખ રાખવાની નથી, પરંતુ તેમને સુધારીને ફરીથી સમાજમાં સારા નાગરિક તરીકે સ્થાપિત કરવાની પણ છે. જેલ કર્મચારીઓએ શિસ્ત, સમર્પણ અને માનવતાની ભાવના સાથે પોતાની ફરજ નિભાવવી જોઈએ.

નવ મહિના દરમિયાન વિવિધ વિષયોની સઘન તાલીમ મેળવી

આ 538 તાલીમાર્થીઓએ છેલ્લા નવ મહિના દરમિયાન વિવિધ વિષયોની સઘન તાલીમ મેળવી હતી. જેમાં જેલ મેન્યુઅલ, પ્રિઝન એક્ટ, પેરોલ-ફર્લોના નિયમો, ભારતીય બંધારણ, માનવ અધિકાર, RTI અને નવા ફોજદારી કાયદા BNS, BNSS તથા BSAનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આધુનિક સુરક્ષા ઉપકરણો, બોડીવોર્ન કેમેરા, મેટલ ડિટેક્ટર, બેગેજ સ્કેનર, બોડી સ્કેનર અને ઇ-પ્રિઝન એપ્લિકેશનના ઉપયોગ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર, યોગ, કરાટે અને રમતગમતની તાલીમ પણ અભ્યાસક્રમનો ભાગ હતી. ડીજીપીશ્રીએ બદલાતા ગુનાખોરીના સ્વરૂપોને ધ્યાનમાં રાખીને જેલની સુરક્ષા, શિસ્ત અને શાંતિ જાળવવા તમામ નવનિયુક્ત જેલ સહાયકોને સતર્ક રહેવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો: Mehsana News: ઉનાવામાં 2500 બેગ સરકારી યુરિયા ખાતર ઝડપાયું