Gir Somnath માં વરસાદ ખેંચાયો, મગફળીનો પાક સુકાયો! ખેડૂતે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું



Gir Somnath
Gir Somnath માં વરસાદ ખેંચાયો, મગફળીનો પાક સુકાયો! ખેડૂતે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું



Gir Somnath
Gir Somnath : પિયતના પાણીની અછત અને વીજળીની સમસ્યાના કારણે પાકને જરૂરી પાણી પણ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદના અભાવે કેટલાક ખેડૂતોને પોતાની ઉભી મગફળીના પાકમાં ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવી દેવાની ફરજ પડી રહી છે.
જ્યારે કેટલાક ખેડૂતો મજૂરો રાખીને બાકી રહેલો પાક કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, પાક કાઢવા માટે મજૂરીનો વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે અને અંતે મળતા પાકની કિંમત પણ ખર્ચ સામે પૂરતી ન રહેતી હોવાની ખેડૂતોની વ્યથા છે.
વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ!
ઉના તાલુકાના રેવદ ગામના ખેડૂત અરજણભાઈ નારણભાઈ જાખોત્રાએ જણાવ્યું કે, ચાલુ સિઝનમાં તેમણે સોખડા ગામે પોતાની 6 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ યોગ્ય સમયે વરસાદ ન મળતાં અને મગફળીનો પાક પીળો પડી બળવા લાગતાં આખરે ભારે હૈયે 6 વીઘાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવવું પડ્યું. ખેડૂતોના જણાવ્યા મુજબ બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિત પ્રતિ વીઘે અંદાજે ₹15 હજારથી ₹20 હજાર સુધીનો ખર્ચ થાય છે.
આટલો ખર્ચ કર્યા બાદ પણ વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાના આરે પહોંચતા ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે.
કુવામાં પાણીની અછત
બીજી તરફ, ઘણા વિસ્તારોમાં કુવામાં પણ પાણીનો જથ્થો ઘટી ગયો છે. બચેલા પાણીથી પાકને સિંચાઈ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ વીજળીની સમસ્યાને કારણે ખેડૂતોને પૂરતું પિયત પાણી આપી શકાતું નથી.
આમ વરસાદની અછત સાથે પાણી અને વીજળીની સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ પાક બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વધારાની મજૂરી અને ખેતીના ખર્ચનો બોજ પણ માથે પડી રહ્યો છે. બચેલો પાક જો મળે તો પણ તેની સામે થયેલો ખર્ચ સરભર થશે કે નહીં તે અંગે ખેડૂતોમાં ચિંતા છે.
દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા ખેડૂતોની માગ
હાલ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સમગ્ર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઉઠાવવામાં આવી છે. સાથે જ પાક નુકસાનનો સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય અને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે. વરસાદની અછતથી સર્જાયેલી આ સ્થિતિમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો : ED એક્શનમાં, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે દરોડા, રાજકીય વર્તુળોમાં ખળભળાટ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



