Gandhinagar News: વિદ્યાસહાયકની 774 અનામત જગ્યાઓ રિલીઝ કરવાની ઉમેદવારોની માગ


Gandhinagar News
Gandhinagar News: વિદ્યાસહાયકની 774 અનામત જગ્યાઓ રિલીઝ કરવાની ઉમેદવારોની માગ


Gandhinagar News
Gandhinagar News: વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં અનામત રાખવામાં આવેલી 774 જગ્યાઓ રિલીઝ કરવાની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. ભરતી પ્રક્રિયામાં જરૂરી લાયકાત અને પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોની જિલ્લા ફાળવણીની કામગીરી આગળ વધારવા માટે સરકાર તાત્કાલિક પગલા ભરે તેવી માગ કરવામાં આવી છે. લાંબા સમયથી આ જગ્યાઓ અનામત રહેતા ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી
મળતી માહિતી મુજબ, વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન ભરતીમાં સફળતા ન મેળવનારા કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ કાનૂની પ્રક્રિયાને પગલે 774 જગ્યાઓ અનામત રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, બાકી રહેલી 774 જગ્યાઓ માટે જિલ્લા ફાળવણી સુધીની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં જગ્યાઓ અનામત રહેતાં ભરતીની આગળની પ્રક્રિયા અટવાઈ છે.
નિમણૂકની રાહ જોવી પડતી હોવાથી ઉમેદવારોમાં ચિંતા વધી
આથી ઉમેદવારો દ્વારા સરકાર સમક્ષ આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે. ઉમેદવારોનું કહેવું છે કે, સરકાર હાઈકોર્ટમાં આ 774 જગ્યાઓ અંગે પોતાનો જવાબ રજૂ કરે અને કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરીને જિલ્લા ફાળવણીની પ્રક્રિયા આગળ વધારે તો લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને રાહત મળી શકે છે. ભરતી પ્રક્રિયામાં જરૂરી તમામ તબક્કાઓ પૂર્ણ કર્યા બાદ પણ નિમણૂકની રાહ જોવી પડતી હોવાથી ઉમેદવારોમાં ચિંતા વધી રહી છે.
ગાંધીનગર પહોંચેલા ઉમેદવારોએ સરકારને અપીલ કરી છે કે હાઈકોર્ટમાં જરૂરી રજૂઆત કરીને 774 જગ્યાઓ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવે. સાથે જ નિયમો અને કોર્ટના નિર્દેશોને અનુરૂપ જિલ્લા ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, જેથી લાયક ઉમેદવારોને નોકરીની તક મળી શકે. હવે સરકાર આ મામલે હાઈકોર્ટમાં ક્યારે જવાબ રજૂ કરે છે અને 774 જગ્યાઓ અંગે શું નિર્ણય લે છે તેના પર ઉમેદવારોની નજર છે.
આ પણ વાંચો: Gandhinagar News: કચ્છને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકો વતી શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ માન્યો આભાર





