મુંબઈમાં 3 સપ્ટેમ્બરે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027નો રોડશો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે વન-ટુ-વન બેઠક

Vibrant Gujarat Global Summit 2027 Mumbai Roadshow: નવી દિલ્હીમાં યોજાયેલા સફળ કર્ટન રેઇઝર બાદ હવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે ગુજરાત સરકાર મુંબઈમાં આગામી રોડશો યોજવા જઈ રહી છે. 3...
Rupin Bakraniya
Rupin Bakraniya
Vibrant Gujarat Summit 2027Vibrant Gujarat Summit 2027

Vibrant Gujarat Summit 2027

Vibrant Gujarat Global Summit 2027 Mumbai Roadshow: નવી દિલ્હીમાં યોજાયેલા સફળ કર્ટન રેઇઝર બાદ હવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે ગુજરાત સરકાર મુંબઈમાં આગામી રોડશો યોજવા જઈ રહી છે. 3 સપ્ટેમ્બર, 2026ના રોજ કોલાબા સ્થિત ધ તાજ મહલ પેલેસ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ રોડશોમાં ગુજરાત સરકાર વૈશ્વિક રાજદ્વારી અને ઔદ્યોગિક સમુદાય સમક્ષ રાજ્યમાં ઉપલબ્ધ રોકાણની તકો અને આગામી સમિટના વિઝનને રજૂ કરશે.

CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ઉદ્યોગજગત સાથે સંવાદ કરશે

કાર્યક્રમના સાંજના સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ દેશોના કોન્સુલ જનરલ તેમજ અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ દરમિયાન ગુજરાતમાં રોકાણ માટેની તકો, રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા અને VGGS-2027ની પ્રાથમિકતાઓ અંગે ઉદ્યોગજગતને માહિતગાર કરવામાં આવશે.

CIIના અધ્યક્ષના સ્વાગત પ્રવચનથી કાર્યક્રમની શરૂઆત

રોડશોની શરૂઆત CIIના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત પ્રવચનથી થશે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા VGGS-2027 અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાત સાથેના પોતાના અનુભવો પણ રજૂ કરશે. કાર્યક્રમના અંતર્ગત ગુજરાત સરકારના મુખ્ય સચિવ પણ સંબોધન કરશે.

25થી વધુ મોટી કંપનીઓ સાથે CMની વન-ટુ-વન બેઠક

રોડશો પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશની અગ્રણી કંપનીઓ અને ઉદ્યોગ જૂથોના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજશે. આ બેઠકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, AM/NS ઇન્ડિયા, STT ગ્લોબલ ડેટા સેન્ટર્સ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, સન ફાર્મા, L&T, RPG એન્ટરપ્રાઇઝિસ, પિરામલ ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, નાયરા એનર્જી સહિતની અનેક મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.

મેન્યુફેક્ચરિંગથી ગ્રીન એનર્જી સુધી ક્ષેત્રો પર ચર્ચા

આ વન-ટુ-વન બેઠકોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થ અને વેલનેસ, IT અને ફાઇનાન્શિયલ સર્વિસિસ, ગ્રીન એનર્જી, ઓઇલ અને એનર્જી, બાયોટેકનોલોજી, રિયલ એસ્ટેટ, ઔદ્યોગિક ઓટોમેશન, હેવી એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ સહિતના અનેક ક્ષેત્રો આવરી લેવામાં આવશે. ચર્ચાનો મુખ્ય ફોકસ ગુજરાતમાં નવી રોકાણ તકો, બિઝનેસ વિસ્તરણ અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે.

યુવા ઉદ્યોગસાહસિકો સાથે રાઉન્ડટેબલ

રોડશોના ભાગરૂપે યુવા ઉદ્યોગસાહસિકો સાથે રાઉન્ડટેબલ સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં સ્ટાર્ટઅપ, ઉદ્યોગ વિસ્તરણ અને નવી ટેક્નોલોજી આધારિત રોકાણની તકો અંગે વિચારોનું આદાન-પ્રદાન થશે.

ગુજરાતની ઔદ્યોગિક તાકાત રજૂ થશે

મુંબઈ રોડશો દરમિયાન ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારોને અનુકૂળ નીતિઓ અને ટકાઉ તથા ટેક્નોલોજી આધારિત વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને ખાસ રીતે રજૂ કરવામાં આવશે. નવી દિલ્હીના કર્ટન રેઇઝર બાદ મુંબઈનો આ રોડશો VGGS-2027 માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગજગત સાથે સંપર્ક વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહ્યો છે.