Vibrant Gujarat 2027 : લખનઉમાં ગુજરાતનો ડંકો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માટે ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને આમંત્રણ

Vibrant Gujarat 2027 : ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના પ્રચાર અને રોકાણ આકર્ષવાના હેતુથી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek Shah
Vibrant Gujarat 2027 ગુજરાતમાં રોકાણ માટે UPના ઉદ્યોગોને આમંત્રણ અપાયુંVibrant Gujarat 2027 ગુજરાતમાં રોકાણ માટે UPના ઉદ્યોગોને આમંત્રણ અપાયું

Vibrant Gujarat 2027 ગુજરાતમાં રોકાણ માટે UPના ઉદ્યોગોને આમંત્રણ અપાયું

Vibrant Gujarat 2027 : 26 નવેમ્બર 2026ના રોજ હોટેલ હિલ્ટન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ કરવા અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું.

તેમની સાથે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ સચિવ અને લખનઉ રોડ-શોના નોડલ અધિકારી આલોક કુમાર પાંડે પણ જોડાયા હતા. ઉત્તર પ્રદેશ સરકારના ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્મા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

10 થી 12 જાન્યુઆરીએ યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027

કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા અને રોકાણની તકો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત 318 બિલિયન અમેરિકન ડોલરના અર્થતંત્ર સાથે ભારતના અગ્રણી રોકાણ રાજ્યોમાં સામેલ છે. દેશની મર્ચેન્ડાઇઝ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મંત્રી રમણભાઈ સોલંકીએ સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ્સ, IT, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સહિતનાં ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણની વિશાળ તકો પર ભાર મૂક્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.

સેમિકન્ડક્ટરથી ડિફેન્સ સુધી ગુજરાતમાં રોકાણની તકો

ઉત્તર પ્રદેશના મંત્રી અરવિંદ કુમાર શર્માએ ગુજરાત અને ઉત્તર પ્રદેશને ભારતના બે મહત્વપૂર્ણ વિકાસ કેન્દ્ર ગણાવ્યા હતા. બંને રાજ્યો એકબીજાના હરીફ નહીં પરંતુ દેશના વિકાસમાં પૂરક ભાગીદાર છે તેમ તેમણે જણાવ્યું હતું. રોડ-શોમાં વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ગુજરાતમાં વ્યવસાય કરવાના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત કેમિકલ્સ, ડિફેન્સ, એરોસ્પેસ, હેલ્થકેર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણની તકો અંગે વન-ટુ-વન બેઠકો પણ યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ વખતની થીમ 'વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર' રાખવામાં આવી છે. ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષીને રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો છે.

આ પણ વાંચો : Gandhidham SOG Drug : ગાંધીધામમાં ટ્રેલરમાંથી 34.41 ગ્રામ હેરોઈન ઝડપાયું, પંજાબના અમૃતસરનો રેશમસિંઘ ઝડપાયો