VGGS 2027 News : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ગુવાહાટીમાં રોડ-શો યોજાયો, ઔદ્યોગિક સહયોગની તકો પર ભાર મૂકાયો

VGGS 2027 News : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પ્રચાર અને ગુજરાતમાં રોકાણની તકોને દેશભરના ઉદ્યોગો સુધી પહોંચાડવાના ભાગરૂપે ગુવાહાટી ખાતે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek Shah
VGGS 2027 News  ગુજરાત-આસામ વચ્ચે સહયોગની નવી તકોVGGS 2027 News  ગુજરાત-આસામ વચ્ચે સહયોગની નવી તકો

VGGS 2027 News ગુજરાત-આસામ વચ્ચે સહયોગની નવી તકો

VGGS 2027 News : આ કાર્યક્રમમાં ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓઈલ અને ગેસ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિકાસની તકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રોડ-શોમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ, IAS સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ પહેલાં ગુજરાતના પ્રતિનિધિમંડળે ગુવાહાટી અને આસામના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠકો યોજી ઔદ્યોગિક સહયોગ અને રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.

ઓઈલ-ગેસથી સેમિકન્ડક્ટર સુધી

રોડ-શો દરમિયાન VGGS 2027 અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને વિવિધ ઉદ્યોગોમાં વિકાસની તકો દર્શાવતી વિશેષ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ ગુજરાતમાં વ્યવસાયિક તકો, ઔદ્યોગિક વિકાસ અને રોકાણ અંગે પોતાના અનુભવો તથા મંતવ્યો રજૂ કર્યા હતા. મંત્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં ગુજરાત અને આસામ વચ્ચે ઔદ્યોગિક સહયોગની વિશાળ સંભાવનાઓ હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે આસામ ઓઈલ અને ગેસ તથા સર્વિસ સેક્ટરમાં મજબૂત ઓળખ ધરાવે છે, જ્યારે ગુજરાત ઔદ્યોગિક માળખું, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને વૈશ્વિક કનેક્ટિવિટી ક્ષેત્રે અગ્રેસર છે. બંને રાજ્યોની ક્ષમતાઓને જોડવાથી નવીનતા, રોજગારી અને આર્થિક સમૃદ્ધિની નવી તકો ઊભી થઈ શકે છે.

ગુજરાત-આસામ વચ્ચે સહયોગની નવી તકો

ગુજરાત દેશના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17 ટકા અને માલસામાનની નિકાસમાં 25 ટકા યોગદાન ધરાવે છે. આર્થિક અને ઔદ્યોગિક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને આસામના ઓઈલ-ગેસ અને સર્વિસ સેક્ટરને ગુજરાતના સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે જોડવાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર' થીમ હેઠળ યોજાશે. આ અગાઉ મંત્રી નરેશભાઈ પટેલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી સમિટમાં ઉપસ્થિત રહેવા ઔપચારિક આમંત્રણ આપ્યું હતું.

બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહયોગ, પરસ્પર રોકાણ અને ભાગીદારી વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. ગુવાહાટીનો રોડ-શો ગુજરાત અને આસામ વચ્ચે ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા VGGS 2027માં નવા રોકાણકારો અને ઉદ્યોગોને જોડવાના પ્રયાસ તરીકે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Ghatalodia Fake Currency : અમદાવાદમાં 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા'ની નકલી નોટોથી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ