PM Modi Vadodara visit: PM મોદીએ આપી વિકાસની મોટી ભેટ, જુઓ શું શું આપ્યું?



PM Modi Vadodara Development Projects
PM Modi Vadodara visit: PM મોદીએ આપી વિકાસની મોટી ભેટ, જુઓ શું શું આપ્યું?



PM Modi Vadodara Development Projects
PM Modi Vadodara Development Projects: વડોદરાના આંગણે વિકાસ અને વિશ્વાસનો ભવ્ય સંગમ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રૂ.35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને ગુજરાતના લોકોનું અભિવાદન કરી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે વડોદરાના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ‘સેવા-સ્વચ્છતાથી સ્વાગત’ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને ગણાવ્યો ભારતની જીવનરેખા
વડાપ્રધાન મોદીએ 2,800 કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને ઝડપથી વિકસતા ભારતની જીવનરેખા ગણાવ્યો. તેમણે જણાવ્યું કે પેસેન્જર અને માલગાડી ટ્રાફિકને અલગ કરવાથી માલ પરિવહનની ઝડપમાં મોટો વધારો થયો છે. કોરિડોરના કારણે માલગાડીઓની અવરજવર વધશે, પરિવહનનો સમય ઘટશે, ઇંધણની બચત થશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થશે. ખેડૂતોને પણ પોતાના ઉત્પાદનો મોટા બજારો સુધી ઝડપથી પહોંચાડવામાં ફાયદો થશે.
JNPTથી વડોદરા સુધી ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેન
PM મોદીએ JNPT પોર્ટથી વડોદરા સુધી સફળતાપૂર્વક દોડાવવામાં આવેલી ડબલ-સ્ટેક કન્ટેનર ફ્રેઇટ ટ્રેનનો પણ ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા મુજબ, એક ટ્રેનમાં મોટી સંખ્યામાં ટ્રકો જેટલો માલ પરિવહન કરી શકાય છે, જેનાથી માલસામાનને દેશના એક છેડેથી બીજા છેડે ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે.
‘ચિપ્સથી શિપ્સ સુધી’ મેન્યુફેક્ચરિંગ પર ભાર
વડાપ્રધાને ભારતના વધતા ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશ હવે ‘ચિપ્સથી લઈને શિપ્સ સુધી’ ઉત્પાદનનું નવું ભવિષ્ય બનાવી રહ્યો છે. વડોદરાના ઔદ્યોગિક વારસાની વાત કરતા તેમણે શહેરમાં C-295 વિમાનના ઉત્પાદન અને રેલવે કોચ, વેગન તથા એન્જિનના વધતા સ્થાનિક ઉત્પાદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતના 11 લાખ પરિવારોને સોલર યોજનાનો લાભ
PM મોદીએ સોલર ઊર્જાના ક્ષેત્રમાં થયેલી પ્રગતિની પણ વાત કરી. તેમણે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત દેશના લાખો પરિવારોને વીજળી ઉત્પાદક બનવાની તક મળી હોવાનું જણાવ્યું. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં પરિવારો આ યોજનાથી જોડાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
બુલેટ ટ્રેન અંગે અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતીય રેલવેનું આધુનિકીકરણ ઝડપથી થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે મે-જૂન સુધીમાં ભારતમાં બનેલી બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે રેલવે ટ્રેક પર આવી શકે છે. ત્યારબાદ ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું. રેલવેના ટ્રેક, સ્ટેશન, સિગ્નલિંગ, વીજળી અને અન્ય માળખાના આધુનિકીકરણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું.
ગુજરાતને ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોને ગુજરાત માટે મોટી ભેટ ગણાવી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી સાકાર થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ ટ્રાન્સપોર્ટેશન, કનેક્ટિવિટી, આવાસ, પાણી પુરવઠો, રોડ-રસ્તા અને શહેરી વિકાસ સહિતના ક્ષેત્રોમાં મળેલી ભેટથી ગુજરાતની વિકાસયાત્રાને વધુ ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, સાંસદ હેમાંગ જોષી, મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



