સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ માટે મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં, SMC સાથે યોજી વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક

Surat Hotfix Waste Management: સુરતના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ વિસ્તારમાં પ્લાસ્ટિક તથા હોટફિક્સ કચરાના નિકાલની સમસ્યાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સક્રિય બન્યા છે. આ મુદ્દે મંત્રીએ...
Rupin Bakraniya
Rupin Bakraniya
Surat Hotfix Waste ManagementSurat Hotfix Waste Management

Surat Hotfix Waste Management

Surat Hotfix Waste Management: સુરતના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ વિસ્તારમાં પ્લાસ્ટિક તથા હોટફિક્સ કચરાના નિકાલની સમસ્યાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સક્રિય બન્યા છે. આ મુદ્દે મંત્રીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે સાથે હોટફિક્સ કચરા સાથે જોડાયેલા નાના વેપારીઓ અને કારીગરોની રોજગારીને પણ અસર ન થાય તે રીતે વ્યવહારુ ઉકેલ શોધવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

હોટફિક્સ કચરો કેમ બન્યો મુશ્કેલીનું કારણ?

હોટફિક્સ કચરો મુખ્યત્વે ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવે છે. તેમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉપરાંત એક બાજુ ગુંદરનું પડ હોય છે. જેના કારણે તેનું સામાન્ય રીતે રી-પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ મુશ્કેલ બને છે. આથી આવા કચરાના પર્યાવરણને અનુકૂળ અને વૈજ્ઞાનિક રીતે નિકાલ માટે અલગ અને વ્યવસ્થિત પ્રક્રિયાની જરૂરિયાત ઉભી થઈ છે.

SMCના અધિકારીઓ સાથે ઉકેલ અંગે ચર્ચા

આ મુદ્દે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, સુરત કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાન તેમજ ઝોનલ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન હોટફિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન, એકત્રિકરણ અને નિકાલ માટેની વ્યવસ્થા અંગે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

રહેણાંક વિસ્તારમાં યુનિટ્સથી સમસ્યા

મંત્રી પાનશેરીયાના જણાવ્યા મુજબ હોટફિક્સ કચરો ઔદ્યોગિક શ્રેણીમાં આવે છે અને તેના નિકાલની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની છે. જોકે, હોટફિક્સના કેટલાક યુનિટ્સ રહેણાંક વિસ્તારમાં કાર્યરત હોવાને કારણે સ્થાનિક સ્તરે કચરાના નિકાલની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કવાયત શરૂ કરવામાં આવી છે.

આગામી સમયમાં અલગ પ્લોટ ફાળવવાની શક્યતા

સુરતના નાના વેપારીઓ અને કારીગરોને રાહત મળે તે માટે પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાના નિકાલ માટે આગામી સમયમાં અલગ પ્લોટ ફાળવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ વ્યવસ્થા અમલમાં આવે તો રહેણાંક વિસ્તારોમાંથી આવા કચરાના નિકાલની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે.

સ્વચ્છતા સાથે રોજગારીનું પણ ધ્યાન

પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ માત્ર વહીવટી નિર્ણય લેવાનો નથી, પરંતુ સંવેદનશીલ અને ઉકેલલક્ષી અભિગમ સાથે સમગ્ર સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ છે, તેથી નાનામાં નાના માણસની આજીવિકા પર પ્રતિકૂળ અસર ન થાય અને શહેરની સ્વચ્છતા પણ જળવાઈ રહે તે રીતે સંતુલિત ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.