ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી: 25થી 31 ઓગસ્ટ સુધી મહા જનઅભિયાન


Gujarat Sanskrit Week 2026
ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી: 25થી 31 ઓગસ્ટ સુધી મહા જનઅભિયાન


Gujarat Sanskrit Week 2026
Gujarat Sanskrit Week 2026: ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પ સાથે ગુજરાતમાં પ્રથમવાર સંસ્કૃત સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. તા. 25થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં શાળા, મહાવિદ્યાલય અને યુનિવર્સિટી ઉપરાંત જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રને પણ જોડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પિત અને રાજ્યકક્ષાની ઉચ્ચસ્તરીય સ્થાયી સમિતિમાં નિર્ધારિત ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
સંસ્કૃત સપ્તાહના આયોજનને સફળ બનાવવા શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય ઓનલાઈન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ, જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ વિવિધ યુનિવર્સિટીના કુલસચિવોએ ભાગ લીધો હતો. આ વર્ષે સંસ્કૃત સપ્તાહને માત્ર શિક્ષણ વિભાગ પૂરતું મર્યાદિત ન રાખીને તેને જનભાગીદારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
કલેક્ટર અને મામલતદારની અધ્યક્ષતામાં સમિતિઓ બનશે
જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય અમલીકરણ સમિતિ, જ્યારે તાલુકા કક્ષાએ મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા સ્તરીય અમલીકરણ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિઓમાં શિક્ષણ તંત્ર ઉપરાંત વહીવટીતંત્ર, સંસ્કૃતજ્ઞો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે. સંસ્કૃત ગૌરવ, સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત સાહિત્ય અને સુભાષિત આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
25 ઓગસ્ટથી સંસ્કૃત ગૌરવ યાત્રા
25 ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થશે. સંસ્કૃત ગીતો, સુભાષિતો, સંસ્કૃત ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શોભાયાત્રા યોજાશે. તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને નાગરિકો ભાગ લેશે.
27 ઓગસ્ટે સંસ્કૃત સંભાષણ દિવસ
27 ઓગસ્ટે સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામાં આવશે. શાળા, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા દૈનિક વ્યવહારમાં સંસ્કૃત ભાષાના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા પર સંસ્કૃત સંદેશાઓનો પ્રસાર કરવામાં આવશે.
29 ઓગસ્ટે સંસ્કૃત સાહિત્ય દિવસ
29 ઓગસ્ટે સંસ્કૃત સાહિત્ય દિવસ અંતર્ગત વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, મહાકાવ્યો અને સુભાષિતોના વાચન સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત વ્યાખ્યાન, પુસ્તક પ્રદર્શન, કાવ્યપઠન અને નિબંધ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે.
31 ઓગસ્ટે સામૂહિક સુભાષિત પઠન
31 ઓગસ્ટે સામૂહિક સુભાષિત પઠન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રસંગોએ ઉલ્લેખ કરેલા 10 પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિતોનું સામૂહિક પઠન કરવામાં આવશે. આ સાથે રાજ્યસ્તરીય સમાપન કાર્યક્રમ પણ યોજાશે.
શ્લોકપઠનથી ડિજિટલ સંસ્કૃત સર્જન સુધી વિવિધ પ્રવૃત્તિઓ
સંસ્કૃત સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં શ્લોકપઠન, ગીતા પઠન, નિબંધ-વક્તૃત્વ સ્પર્ધા, પ્રદર્શન, સંસ્કૃત નાટ્ય અને ડિજિટલ સંસ્કૃત સર્જન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલે જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી પરંતુ ભારતની જ્ઞાનપરંપરા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાનું જીવંત સેતુ છે. દરેક શાળામાં પ્રવૃત્તિ થાય, વિદ્યાર્થીઓ સંસ્કૃત સાથે જોડાય અને સમાજમાં સંસ્કૃત પ્રત્યે ગૌરવની ભાવના જાગે તે જ આ આયોજનની સાચી સફળતા છે.
‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પને મળશે નવી દિશા
આ આયોજનને ભારતની જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન સાથે જોડવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિ-2020માં પણ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતને મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ દ્વારા સંસ્કૃતને માત્ર શૈક્ષણિક વિષય તરીકે નહીં પરંતુ જનભાગીદારી અને સાંસ્કૃતિક ગૌરવ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.




