Rakanpurમાં 1 લાખ ચોરસ મીટરમાં બનશે ‘ઓક્સિજન પાર્ક’, 2.22 લાખ વૃક્ષો ઉછેરાશે



Rakanpur Tree Plantation
Rakanpurમાં 1 લાખ ચોરસ મીટરમાં બનશે ‘ઓક્સિજન પાર્ક’, 2.22 લાખ વૃક્ષો ઉછેરાશે



Rakanpur Tree Plantation
Rakanpur Tree Plantation: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ સંરક્ષણને લઈને ગાંધીનગરના રકનપુર ગામે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક અગ્રણી કિરીટભાઈ પટેલ અને સાફલ્ય પરિવાર દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત કુલ 2,22,222 વૃક્ષોનું વાવેતર અને આગામી વર્ષોમાં જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ વિશાળ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, બકાજી ઠાકોર સહિતના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
1 લાખ ચોરસ મીટરમાં વિકસશે હરિયાળો વિસ્તાર
આ પ્રોજેક્ટ અંતર્ગત રકનપુરમાં અંદાજે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. અહીં વડ, જાંબુ, દાડમ, બદામ સહિત પશુ-પક્ષીઓ માટે ઉપયોગી એવી 60થી 70 જેટલી વિવિધ પ્રજાતિના વૃક્ષો ઉછેરવાનો આયોજન છે. માત્ર વૃક્ષોનું વાવેતર જ નહીં, પરંતુ આગામી પાંચ વર્ષ સુધી સતત જતન અને સંવર્ધન કરવામાં આવશે. આ વિસ્તારને સમય જતાં ઘટાદાર હરિયાળા વિસ્તાર અને ‘ઓક્સિજન પાર્ક’ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ છે.
પશુ-પક્ષીઓ માટે પાણી અને પરબની વ્યવસ્થા
વૃક્ષો સાથે સ્થાનિક જીવસૃષ્ટિને પણ અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે વિસ્તારમાં પક્ષીઓ અને અન્ય જીવો માટે પાણી તથા પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. વૃક્ષારોપણ સાથે જૈવવિવિધતા જાળવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ પર ભાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ગ્લોબલ વોર્મિંગને સમગ્ર વિશ્વ સામેના મોટા પડકાર તરીકે ગણાવ્યો હતો. પર્યાવરણના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેમનું જતન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ આ પ્રકારની પર્યાવરણલક્ષી પહેલ માટે કિરીટભાઈ પટેલ અને સાફલ્ય પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
બહુચરાજી પંથકમાં અગાઉ પણ 1 લાખ વૃક્ષોનું વાવેતર
પર્યાવરણ ક્ષેત્રે આ પરિવાર અને સંસ્થા દ્વારા અગાઉ પણ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. બહુચરાજી પંથકમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 501 વડ સહિત અંદાજે 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિરીટભાઈ પટેલે નાગરિકોને પણ પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાવા અપીલ કરી હતી. તેમણે સ્વજનોના જન્મ કે મૃત્યુ પ્રસંગે ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવીને પર્યાવરણ અને ધરતી પ્રત્યેનું ઋણ અદા કરવા અનુરોધ કર્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





