પ્રાકૃતિક ખેતીથી હળદરની ઉપજ બમણી થઇ: વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોમાં જબરદસ્ત સફળતા મળી



Natural Farming Turmeric Production
પ્રાકૃતિક ખેતીથી હળદરની ઉપજ બમણી થઇ: વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોમાં જબરદસ્ત સફળતા મળી



Natural Farming Turmeric Production
Natural Farming Turmeric Production: ભારતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિને વધુ મજબૂત વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવાના હેતુથી હાથ ધરાયેલા બાયોટેકનોલોજી આધારિત સંશોધન કાર્યક્રમમાં ગુજરાતમાં હળદરની પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય (SDAU) દ્વારા સંયુક્ત રીતે હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનાં ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યાં હતા. આ પ્રયોગોમાં જાણવા મળ્યું કે, રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હળદરની ખેતી કરવાથી ઉત્પાદન બમણાથી પણ વધુ થાય છે.
આ પ્રયોગ વિશે એ શોધ-નિંબધ પણ તાજેતરમાં એક પ્રસિદ્ધ જર્નલમાં પ્રકાશિત થયો છે. વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “BMC Plant Biology જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં, પરંપરાગત રાસાયણિક ખેતીની તુલના પ્રાકૃતિક ખેતીની નવ અલગ-અલગ ટ્રીટમેન્ટ કોમ્બિનેશન સાથે કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ હેઠળ હેક્ટરદીઠ 40 ટનથી વધુ હળદરની ઉપજ થઇ, જ્યારે પરંપરાગત ખેતીમાં હેક્ટરદીઠ 19.3 ટન ઉપજ મળી. અભ્યાસનાં આ તારણો ખેડૂતો-કૃષિ વૈજ્ઞાનકો માટે પ્રાકૃતિક ખેતી તરફ વૈજ્ઞાનિક પદ્ધતિથી આગળ વધવાની પ્રેરણા આપશે.’’
હળદર ‘ગોલ્ડન સ્પાઇસ’ તરીકે ઓળખાય છે અને ભારતમાં ખાદ્ય, ફાર્માસ્યુટિકલ તથા પરંપરાગત ઔષધ ક્ષેત્રમાં તેનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેમાં રહેલું સક્રિય ઘટક કરક્યુમિન સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની વધતી માંગનું પણ મહત્વનું કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમીનની તંદુરસ્તી સુધારવા, ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને ભારતીય કૃષિને વધુ ટકાઉ બનાવવા માટે પ્રાકૃતિક તથા રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ગામેગામ પ્રવાસ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મોડલને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રેરિત કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પ્રાકૃતિક અને ઓછા ખર્ચે થતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.
પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિક વિજ્ઞાનનું સંકલન
કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, “આ તારણો બાયોટેકનોલોજી ઇન્ટરવેન્શન્સ થ્રૂ નેટવર્ક રિસર્ચ પ્રોગ્રામ ઓન ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (BPKP) હેઠળ જાણવા મળ્યાં છે. આ કાર્યક્રમનો હેતુ પાકની ઉત્પાદકતા વધારવા, જમીનની તંદુરસ્તી પુનઃસ્થાપિત કરવા અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારતની પરંપરાગત ખેતી પદ્ધતિઓને આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સાંકળવાનો છે.” “આ કાર્યક્રમ હેઠળ આઠ કૃષિ-આબોહવાકીય ઝોનમાં 18 પાકને આવરી લેવામાં આવ્યા છે. સંશોધકો એ અભ્યાસ કરી રહ્યા છે કે ઉત્પાદક અને રસાયણમુક્ત ખેતી વ્યવસ્થાઓ વિકસાવવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અને બાયોટેકનોલોજી એકબીજાના પૂરક બનીને કેવી રીતે કામ કરી શકે.” શ્રી જીતુભાઇ વાઘાણીએ વધુમાં ઉમેર્યુ હતું.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM)નાં મિશન ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, “સંશોધકોએ ભારતીય ખેતીમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા જૈવિક ફોર્મ્યુલેશન પર આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનું મૂલ્યાંકન કર્યું હતું. તેમાં બીજની માવજત માટે ઉપયોગમાં લેવાતું બીજામૃત, પ્રવાહી બાયોસ્ટિમ્યુલન્ટ તરીકે ઉપયોગમાં લેવાતું જીવામૃત અને ઘન પ્રાકૃતિક ખેતી ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાતું ઘનજીવામૃત સામેલ હતાં. આ ટ્રીટમેન્ટ સાથે ઘઉંના પરાળનું મલ્ચિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે જમીનમાં કાર્બનિક દ્રવ્ય જળવાઈ રહેવા સાથે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ માટે અનુકૂળ જમીન સ્થિતિ જાળવવામાં મદદ મળી હતી.”
કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને તાલીમ આપી
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયનાં કુલપતિ પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે જણાવ્યું કે, “કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે પ્રયોગને મળેલી સફળતા બાદ ખેડૂતોને હળદરની પ્રાકૃતિક ખેતી કરવા માટે તાલીમ આપવામાં આવી અને તેમાં પણ સરસ પરિણામો આવ્યા અને હવે ઘણા ખેડૂતો આ પદ્ધતિથી હળદરની ખેતી કરતા થયા છે અને તેમની આવકમાં વૃદ્ધિ થઇ છે. કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને મૂલ્યવર્ધનમાં પણ મદદ કરે છે.”
બાયોટેકનોલોજીથી નવા વૈજ્ઞાનિક તારણો
આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ હિસ્સો એ છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઇનપુટ્સ છોડની વૃદ્ધિ અને પાકના પ્રદર્શનને કેવી રીતે અસર કરે છે તે સમજવા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. GBRCના જોઇન્ટ ડિરેક્ટર ડૉ. સ્નેહલ બગથરિયાએ જણાવ્યું કે, “ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત તથા બાયોકંટ્રોલ એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાતા અન્ય પ્રાકૃતિક ખેતીના બાયોફોર્મ્યુલેશન સહિતના મહત્વપૂર્ણ પ્રાકૃતિક ખેતી ઇનપુટ્સનું વિગતવાર માઇક્રોબિયલ અને મેટાબોલોમિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.’’ “આ વિશ્લેષણમાં અનેક લાભદાયી સૂક્ષ્મજીવો તથા 11 અલગ-અલગ વર્ગોમાં આવતા આશરે 300થી 500 મહત્વપૂર્ણ મેટાબોલાઇટ્સની ઓળખ થઈ હતી. આમાંથી કેટલાક જમીનની તંદુરસ્તી, છોડની વૃદ્ધિને પ્રોત્સાહિત કરવામાં અને પાકની પ્રતિકારક ક્ષમતા વધારવામાં ભૂમિકા ભજવી શકે છે,” સ્નેહલ બગથરીયાએ વધુમાં જણાવ્યું.
લાભદાયી સૂક્ષ્મજીવોની શોધ
કાર્યક્રમના બાયોટેકનોલોજી ઘટકમાં પ્રાકૃતિક ખેતી હેઠળની જમીનમાં જોવા મળતા સૂક્ષ્મજીવોના સમુદાય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CSMCRI), ભાવનગરના વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ હેઠળ ખેતી કરવામાં આવેલી જમીનમાંથી છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપતા અનેક સૂક્ષ્મજીવોને અલગ તારવ્યા છે. આ સૂક્ષ્મજીવ સંસાધનો કુદરતી બાયોફર્ટિલાઇઝર અને અન્ય જૈવિક ખેતી ઇનપુટ્સ વિકસાવવા માટેનો આધાર બની શકે છે અને તેનાથી ખેડૂતોની કૃત્રિમ કૃષિ રસાયણો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
આર્થિક પરિણામો પણ નોંધપાત્ર
અભ્યાસ મુજબ, હળદરની પ્રાકૃતિક ખેતી માટેનાં ઇનપુટ્સ ખરીદવા પડ્યા હોવા છતાં પ્રાકૃતિક ખેતી હેઠળ હેક્ટરદીઠ રૂ. 10.5 લાખથી વધુનું ચોખ્ખું વળતર નોંધાયું હતું, જ્યારે પરંપરાગત ખેતીમાં હેક્ટરદીઠ આશરે રૂ. 3.61 લાખનું વળતર મળ્યું હતું. આ તફાવત ઊંચી ઉપજ તથા મોંઘા કૃત્રિમ કૃષિ ઇનપુટ્સ પરની ઓછી નિર્ભરતાના સંયુક્ત પરિણામને દર્શાવે છે.
જમીનમાં જીવંત ઇકોસિસ્ટમ
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં લાભદાયી સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો થયો હતો. આ સૂક્ષ્મજીવો કાર્બનિક દ્રવ્યના વિઘટન, પોષક તત્વોના પુનઃચક્રણ અને છોડમાં રોગ ફેલાવતા રોગકારકોને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંપરાગત ખેતી પદ્ધતિઓનું બાયોટેકનોલોજી સાથે સંકલન રાજ્યમાં ઓછા ખર્ચે અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ ખેતીના વિસ્તરણ માટે વધુ મજબૂત વૈજ્ઞાનિક આધાર પૂરો પાડી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





