મહિલા સમાનતા દિવસ: ‘મિશન સુરક્ષિત શક્તિ’ના પ્રથમ સપ્તાહમાં 525 સંવેદનશીલ સ્થળોનું મેપિંગ



Mission Surakshit Shakti
મહિલા સમાનતા દિવસ: ‘મિશન સુરક્ષિત શક્તિ’ના પ્રથમ સપ્તાહમાં 525 સંવેદનશીલ સ્થળોનું મેપિંગ



Mission Surakshit Shakti
Mission Surakshit Shakti: ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મિશન સુરક્ષિત શક્તિ’ હેઠળ પ્રથમ સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા કરવા માટે મહત્વની કામગીરી કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સંવેદનશીલ સ્થળોનું મેપિંગ, જોખમગ્રસ્ત પરિવારોની ઓળખ, પીડિતો સાથે ફોલો-અપ, કાઉન્સેલિંગ, સંસ્થાકીય સુરક્ષા ઓડિટ અને સામુદાયિક સશક્તિકરણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા તેમજ તેમની સામે થતા ગુનાઓના નિવારણ માટે સક્રિય પગલાં હાથ ધર્યાં છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં એક મહિનાની વિશેષ ઝુંબેશ શરૂ કરી છે.

“19થી 23 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાયેલી પ્રથમ સપ્તાહની કામગીરી દર્શાવે છે કે, પોલીસિંગ હવે માત્ર ઘટના બન્યા બાદની કાર્યવાહી સુધી સીમિત ન રહીને વધુ સક્રિય અને પીડિત-કેન્દ્રી અભિગમ તરફ આગળ વધી રહ્યું છે. ગંભીર ઘટનાઓ બને તે પહેલાં સંવેદનશીલતાઓને ઓળખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે,” સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ), ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક અજય ચૌધરીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અભિયાનના ભાગરૂપે મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લગતાં 525 સંવેદનશીલ સ્થળોનું મેપિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી પ્રાથમિક સ્તરનું વલ્નરેબિલિટી મેપ તૈયાર થશે, જેના આધારે પોલીસ એકમો એવા વિસ્તારોને ઓળખી શકશે જ્યાં કેન્દ્રિત દેખરેખ, નિવારક કાર્યવાહી અને નિયમિત મોનિટરિંગની જરૂરિયાત છે.”

અભિયાનના અન્ય મહત્વપૂર્ણ ઘટક તરીકે 436 સંવેદનશીલ પરિવારો અને વારંવાર ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પીડિતોની ઓળખ કરવામાં આવી છે. આ કામગીરીથી આવા પરિવારો અને પીડિતો માટે લક્ષિત હસ્તક્ષેપ તેમજ સતત ફોલોઅપ માટેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ સપ્તાહ દરમિયાન જાહેર સ્થળોની સુરક્ષા પણ અભિયાનનું મુખ્ય કેન્દ્ર રહી હતી. પોલીસે એવા જાહેર સ્થળોએ 1,033 સુરક્ષા ઓડિટ હાથ ધર્યાં જ્યાં મહિલાઓ અને બાળકો વધુ સંવેદનશીલ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આ ઓડિટનો હેતુ સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને ઓળખી યોગ્ય નિવારક અને સુધારાત્મક પગલાં લેવાનો છે.
અભિયાનમાં ઘટના બાદ પીડિતોને સતત સહાય પૂરી પાડવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રથમ સપ્તાહ દરમિયાન પોલીસે અગાઉના પીડિતોને લગતી 443 ફોલો-અપ અને કલ્યાણલક્ષી કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીનો હેતુ પ્રાથમિક ફરિયાદ અથવા પોલીસ હસ્તક્ષેપ બાદ પણ પીડિતોને જરૂરી સહાય અને સુરક્ષા વ્યવસ્થાનો લાભ મળતો રહે તે સુનિશ્ચિત કરવાનો છે. કાઉન્સેલિંગ પણ આ પહેલનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પ્રથમ સપ્તાહમાં 653 લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. પ્રારંભિક તબક્કે કાઉન્સેલિંગ અને પરિવાર સ્તરે હસ્તક્ષેપ દ્વારા ઘરેલુ તથા આંતરવ્યક્તિગત સંઘર્ષોને વધુ ગંભીર બનતા અને પુનરાવર્તિત થતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સંસ્થાકીય સુરક્ષા પર ભાર
સંસ્થાકીય સુરક્ષા પણ પ્રથમ સપ્તાહની કામગીરીનું મહત્વપૂર્ણ ક્ષેત્ર રહ્યું હતું. પોલીસ ટીમોએ શાળા અને કોલેજોમાં 1,207 સુરક્ષા ઓડિટ પૂર્ણ કર્યા છે. આ કામગીરીથી બાળકો, કિશોરો અને યુવતીઓ માટે નિવારક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ ઓડિટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની અંદર તેમજ આસપાસ રહેલી સંવેદનશીલતાઓને ઓળખીને યોગ્ય સુધારાત્મક પગલાં લેવામાં મદદ મળશે.
જોકે, પ્રથમ સપ્તાહ દરમિયાન સૌથી મોટા પાયે હાથ ધરાયેલી પ્રવૃત્તિ સ્વરક્ષણ તાલીમ દ્વારા સામુદાયિક સશક્તિકરણની રહી હતી. કુલ 12,829 મહિલાઓ અને બાળકોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. આ પ્રવૃત્તિનો વ્યાપ દર્શાવે છે કે અભિયાનમાં પરંપરાગત પોલીસિંગ અને સુરક્ષા વ્યવસ્થાની સાથે નાગરિકોના સશક્તિકરણને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
પ્રથમ સપ્તાહની તમામ કામગીરીને એકસાથે જોતા, અભિયાન હેઠળ સંવેદનશીલ સ્થળોનું મેપિંગ, જોખમગ્રસ્ત પરિવારો અને પીડિતોની ઓળખ, જાહેર સ્થળોના સુરક્ષા ઓડિટ, પીડિતો સાથે ફોલોઅપ, કાઉન્સેલિંગ, શાળા-કોલેજોના ઓડિટ અને સ્વરક્ષણ તાલીમના સ્વરૂપમાં બહુસ્તરીય નિવારક મોડલ ઊભું થયું છે. આ અભિગમ નિવારક પોલીસિંગને પીડિત સહાય અને સામુદાયિક ભાગીદારી સાથે જોડવાનો પ્રયાસ કરે છે. પરિણામલક્ષી આ અભિગમથી પોલીસ નેતૃત્વ માત્ર કેટલી કામગીરી કરવામાં આવી તેનું જ મૂલ્યાંકન નહીં કરે, પરંતુ આ હસ્તક્ષેપોથી સંવેદનશીલતા ખરેખર ઘટી કે નહીં, સુરક્ષામાં સુધારો થયો કે નહીં અને મહિલાઓ તથા બાળકોનું રક્ષણ વધુ મજબૂત બન્યું કે નહીં તેનું પણ મૂલ્યાંકન કરી શકશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



